છાત્રોનો સંદેશ: હસી-ખુશી રસી લો:મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે 27790 કિશોરોને રસી અપાઈ, 1.10 લાખને 5 દિવસમાં રસીકરણ પૂર્ણ કરાશે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં પ્રથમ દિવસે 15 થી 18 વર્ષનાં 1,35,309 વિદ્યાર્થીઓને કોવેક્સિનનો પ્રથમ ડૉઝ અપાયો
  • 15 થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિન મહાકુંભ

મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડવા સોમવારથી રસીકરણનો પ્રારંભ કરાયો છે. જિલ્લાની 226 શાળાઓના 30 હજાર કિશોરોને રસી આપવાના આયોજનના પ્રથમ દિવસે 27,790 કિશોરોને રસી અપાઇ હતી.પ્રથમ દિવસે દરેક શાળામાં આશરે 100 ડોઝ ફાળવાયા હતા.

પરંતુ, મહેસાણા શહેરની સાર્વજનિક કેમ્પસ, અર્બન વિદ્યાલય, પરા માધ્યમિક, નાલંદા વિદ્યાલય જેવી મોટી શાળાઓમાં ઓછા ડોઝ પડતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક બીજા ડોઝ મોકલી આપ્યા હતા. તેમજ મોટી શાળાઓમાં વેક્સિનની એક ટીમના બદલે બબ્બે ટીમો મોકલવાનું આયોજન કરાયું હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું. ઉ.ગુ.માં પ્રથમ દિવસે 1.35 લાખ છાત્રોને કોવેક્સિનનો પ્રથમ ડૉઝ અપાયો હતો.

ઉત્તર ગુજરાતમાં થયેલ રસીકરણ

મહેસાણા27,790
પાટણ22,608
બનાસકાંઠા39,911
સાબરકાંઠા24,000
અરવલ્લી21,000

કુલ 1,35,309

રસી માટે ઉત્સાહ
રસીકરણના પ્રથમ દિવસે બાળકોએ ઉત્સાહ સાથે રસી મુકાવી હતી. હારિજની સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કકીબેન જયંતીજી ઠાકોરએ હસતા મોઢે રસી લઈ રસી લઇ અન્ય છાત્રોને સુરક્ષિત હોવાનો સંદેશો આપ્યો હતો. કડી શહેરની છાત્રાએ કોરોના રસી લીધા બાદ કહ્યું કે, વેક્સિન જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે, એટલે મારી સહપાઠીઓ સાથે રસી લીધી છે. તો કોરોના વેક્સિન લીધાની યાદગીરી રહે તે માટે મહેસાણાની વિદ્યાર્થિનીએ વેક્સિન લેતાં સેલ્ફી લીધી હતી.

મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે રસીકરણ

તાલુકોલક્ષાંકરસીકરણ
બહુચરાજી1,105793
જોટાણા1,475951
કડી3,8023751
ખેરાલુ2,3712634
મહેસાણા63656483
સતલાસણા14161239
ઊંઝા21862613
વડનગર28211925
વિજાપુર27873342
વિસનગર57474056
કુલ3007527790

10મીથી બુસ્ટર ડોઝ શરૂ
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલે જણાવ્યું કે, 10 જાન્યુઆરીથી જિલ્લામાં 22347 હેલ્થવર્કર, 60 વર્ષથી વધુની વયના 18616 મળી 40963 લોકોને તેમજ 45 થી 59 વર્ષના 733 કો-મોર્બિડ દર્દીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવનાર છે.

ઓનલાઈન બુકિંગ કરાવી પહેલાં જ વેક્સિન લીધી
​​​​​​​મહેસાણાની જે.એમ.ચૌધરી હાઈસ્કૂલની ધો.11ની વિદ્યાર્થિની શ્રેયા પટેલે કહ્યું કે, ઘણા સમયથી વેક્સિન આવે તેની રાહ જોતી હતી. વેક્સિન આપવાની તારીખ જાહેર થતાં ઓનલાઈન બુકિંગ કરાવીને સવારે વહેલાં આવીને વેક્સિન લઈ મારી બહેનપણીઓને પણ વેક્સિન લેવા કહ્યું હતું.

ત્રીજી લહેરમાં સુરક્ષિત રહેવા વેક્સિન જરૂરી
જે.એમ. ચૌધરી હાઈસ્કૂલના વિદ્યાર્થી દેવ ચૌધરીએ કહ્યું કે, કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ત્રીજી લહેર આવવાની સંભાવના દેખાઈ રહી છે. તેથી મારે કોરોનાનું સુરક્ષા કવચ મેળવવા વેક્સિન લઈ લેવી જોઈએ, એટલે મેં આજે રસી લીધી છે.

રડતી બહેનપણીને શાંત કરાવી રસી અપાવડાવી
એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની હની પ્રજાપતિ વેક્સિન લેવા મુદ્દે રડતી હતી. તે સમયે તેની બહેનપણીએ જોડે બેસીને પોતે પણ વેક્સિન લીધી હોવાથી ખબર પણ પડી નહી હોવાનુ જણાવી બહેનપણીને વેક્સિન અપાવડાવી હતી.

શિક્ષિકાએ વાતોમાં પરોવીને વેક્સિન લેવડાવી દીધી
એમએમવી સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીને વેક્સિનની સોય લગાવવાથી ડરતી હોવાથી શિક્ષિકાએ તેની પાસે બેસીને અન્ય વાતમાં પરોવી હતી. ત્યાં સુધીમાં આરોગ્ય કર્મચારીએ વેક્સિન આપી દીધી હતી.

પ્રથમ દિવસે કોરોના વેક્સિન લીધાની યાદગીરી રહે તે માટે કેટલીક વિદ્યાર્થીનીઓએ બહેનપણીઓ સાથે ઉભા રહીને વેક્સિન લીધા બાદ સેલ્ફી લીધી હતી. જોટાણા તાલુકાના 11 સેન્ટરો ઉપર 15 થી 18 વર્ષના છાત્રોને રસી આપી હતી. સૂરજની એ.આર. પટેલ હાઈસ્કૂલના રસી લેનાર છાત્રએ જણાવ્યું કે, કોરોનામાં ઘણા લોકોએ સગાસ્નેહીઓને વેક્સિન નહીં લીધી હોવાથી ગુમાવ્યા છે. બીજી લહેરમાં ગામમાં રોજ એક જણના મૃત્યુના સમાચાર આવતા, ત્યારે વ્યથિત થઈ જતો હતો, વેક્સિન લેવાનો ડર લાગતો હતો, પણ કોરોના સામે લડવા વેક્સિન જરૂરી હોઇ ગભરાટ સાથે પણ મુકાવી છે જેનો આનંદ છે.

ખેરાલુ તાલુકાના આરોગ્યનો સ્ટાફ નિર્ધારિત કેન્દ્રો પર જવાના રવાના થયો હતો. જેમાં તાલુકાના ચાણસોલ, પાન્છા, ડભોડા, ડભોડા, ચાડા વગેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અનેખેરાલુ અર્બન હેલ્થ સેન્ટર તળે આવેલી પ્રત્યેક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાતે રસી માટે કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો.

​​​​​​​અહીંની બ્લોક હેલ્થ કચેરીના જણાવ્યા મુજબ ખેરાલુ તાલુકામાં પ્રથમ દિવસે કુલ 18 જેટલા કેન્દ્રો પરથી 2634 જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. હેલ્થ ઓફીસ રીપોર્ટ મુજબ ચાણસોલ પીએચસી તળે 520, ચાડા પીએચસી તળે 455, ડભોડા પીએચસી તળે 418, પાન્છા પીએચસી તળે 719 અને ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટર તળે 522 મળી કુલ 2634 વિદ્યાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...