ઊંઝા શહેરમાં પાટણ રોડ પર આવેલા શ્રીનાથજી ફ્લેટ અવધપુરી સોસાયટી ખાતે રહેતો જીતેન્દ્રકુમાર વિઠલભાઇ દરજીને ફેસબુક પર ગૌરવ શર્મા નામના શખ્સ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ મિત્રતા કેળવીને સોશિયલ મીડિયા પર પાસપોર્ટ તથા વીઝાનું કામ કરાવવા અંગેના ફોટો મોકલી વિશ્વાસ આપ્યો હતો.
તેમજ તેના મિત્ર મિત પટેલ રહે નરોડા અમદાવાદના મોબાઈલ ફોન નંબર આપી સંપર્ક કરાવી વીઝા આપવાનો વિશ્વાસ આપી ગૌરાંગ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. જેને પગલે જીતેન્દ્ર દરજીના વીઝાની કાયૅવાહી કરી ખોટા વીઝા બતાવી મીત પટેલે અલગ અલગ તારીખોમાં અલગ અલગ આંગડિયા મારફતે રૂપિયા મંગાવતા જીતેન્દ્ર દરજીએ ટુકડે ટુકડે 26 લાખ 50 હજાર રૂપિયા જેટલી માતબર રકમ તેમને મોકલી આપી હતી.
સામે પક્ષે લાખો રૂપિયા આપ્યા બાદ પણ અસલ પાસપોર્ટ કે વીઝા જીતેન્દ્રભાઈને આપ્યા ન હતા અને અચાનક જ બંને જણાએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. જીતેન્દ્રભાઈને પોતે વીઝાના બહાને છેતરાયા હોવાનો અહેસાસ થતાં પોલીસ મથકે પહોંચ્યા હતા. ગૌરવ શર્મા, મિત પટેલ રહે નરોડા અમદાવાદ, ગૌરાંગ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ પણ ખોટા હોવાની શક્યતા : પીઆઇ
યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરીને અજાણ્યા શખ્સો મોબાઇલ સ્વીચ ઓફ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે પ્રાથમિક તબક્કે જીતેન્દ્રને જે નામની ઓળખ આપવામાં આવે છે તે નામ પણ ખોટા હોવાની શક્યતા રહેલી હોવાનું પીઆઈ નિલેશ ઘેટીયા એ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.