વેરા દરના સ્લેબમાં ફેરફાર:રૂ.2.50 લાખથી વધુના ટર્નઓવરમાં વેપારીએ હવે રૂ.500ના બદલે 2500 વ્યવસાય વેરો ભરવો પડશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારે સ્લેબમાં કરેલા ફેરફાર બાદ મહેસાણા પાલિકાએ 17500 વેપારીઓને નોટિસ મોકલી
  • નોટિસમાં 5 ગણો વેરો જોઇ ચોંકી ઉઠેલા વેપારીઓ પૂછપરછ કરવા પાલિકા દોડી આવ્યા

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરાપાત્ર વેપારીઓ માટે એપ્રિલ 2022થી વેરા દરના સ્લેબમાં ફેરફાર કરાયા છે. અત્યાર સુધી નગરપાલિકા રૂ.2.50 લાખથી વધુ ટર્નઓવર અને 6 થી 9 હજારના પગારદાર ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.500 વ્યવસાય વેરો, જ્યારે 5 થી 10 લાખ ટર્નઓવર અને 9 થી 12 હજારના પગારદાર કર્મચારી ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.1250 વેરો વસૂલતી હતી. હવે આ બંને સ્લેબના બદલે ગત એપ્રિલથી રૂ.2500 વ્યવસાય વેરો અમલમાં મૂકાયો છે.

આથી નવા વ્યવસાય વેરા દર મુજબની નોટિસો વેપારીઓને મોકલવામાં આવતાં ગત વર્ષ કરતાં પાંચ ગણો વેરો વધુ જોઇ ચોંકી ઉઠેલા કેટલાક વેપારીઓએ કોર્પોરેટરો મારફતે પાલિકામાં પૂછપરછ કરાવી હતી, તો કેટલાક સરકારે દરમાં ફેરફાર કર્યા હોવાનો પ્રત્યુત્તર મળતાં પાછા ફર્યા હતા. મહેસાણા શહેરમાં 17,500થી વધુ વેપારીઓ નગરપાલિકાના વ્યવસાય વેરા ચોપડે નોંધાયેલા છે. જેમાં રૂ.2.50 લાખથી ઓછું ટર્નઓવર કરતા વેપારી પેઢીને વ્યવસાય વેરોમાંથી મુક્તિ અપાયેલી છે.

નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં ગુજરાત સરકારના નોટિફિકેશનથી રૂ. 500 અને 1250ના વ્યવસાય વેરાના સ્લેબ નાબૂદ કરી તમામ કરધારકોના રૂ.2500 કરાયાની નોંધ લગાવાઇ છે. કરપાત્ર વ્યવસાયકારોએ નગરપાલિકામાં 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વરો ભરવાનો રહે છે, ત્યાર પછી વ્યાજ ચઢતું હોય છે. જેને લઇ નગરપાલિકા દ્વારા જુલાઇ માસમાં તમામ કરપાત્ર 17,500 વેપારીને વ્યવસાય વેરો ભરવા અંગેની નોટિસો મોકલાઇ હતી. જે નોટિસમાં રૂ.2500 વેરો જોઇ વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા.

વ્યક્તિગત રૂ.80 અને રૂ.150ના વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ
​​​​​​​રૂ. 6થી 9 હજારના પગારદાર કર્મીદીઠ અગાઉ માસિક રૂ.80 અને 9 થી 12 હજારના પગારદાર કર્મી દીઠ માસિક રૂ. 150 વ્યવસાય વેરો હતો. આ પગારદારોને વ્યક્તિગત વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ છે. જ્યારે માસિક રૂ.12હજારથી વધુ પગાર આપતી પેઢી પાસેથી વ્યક્તિગત રૂ.200 વ્યવસાય વેરો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...