મહેસાણા શહેરમાં રામોસણા ચોકડીથી માનવ આશ્રમ થઇ ગાંધીનગર લીંક રોડ ખારી નદી સુધી રૂ.અઢી કરોડના ખર્ચવાળી વરસાદી પાણી નિકાલની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયાને હજુ મહિનો પણ થયો નથી, ત્યાં ગોલ્ડન બંગ્લોઝ આગળ વરસાદ વગર જ આ લાઇનમાં 7થી 8 ફૂટ ઊંડો ભૂવો પડતાં પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. અંડર ગ્રાઉન્ડ વરસાદી લાઇનની બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઇન લીકેજ થતાં તાજુ પુરાણ કરેલું હોઇ માટી બેસી જતાં ભંગાણ સર્જાયું છે.
શહેરના માનવ આશ્રમથી ખારી નદી તરફ જતાં ગોલ્ડન બંગ્લોઝ આગળ શુક્રવારે બપોરે માટી બેસી જતાં પોલાણ સર્જાયું હતું અને થોડીવારમાં લીકેજ પાણીના કારણે ખાડો સર્જાયો હતો. વિસ્તારમાં દર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નંખાઇ છે, જેની બાજુમાંથી પીવાના પાણીની લાઇન પણ પસાર થાય છે. જેમાં ગોલ્ડન બંગ્લોઝ આગળ પીવાના પાણીની લાઇનની બાજુમાં વરસાદી પાણી લાઇનની કુંડી પણ અંડર ગ્રાઉન્ડ બનાવેલી છે.
જ્યાં વરસાદી લાઇન નંખાયા પછી માટી પુરાણ કરાયું ત્યાં પીવાના પાણીની લાઇન લીકેજથી માટી બેસી જવાના કારણે ભૂવો સર્જાયો છે. આ દરમિયાન વિપક્ષના નેતા કમલેશ સુતરિયા, રાકેશ પ્રજાપતિ વગેરે દોડી ગયા હતા અને નગરપાલિકાને જાણ કરતાં વોટર વર્કસની ટીમ દ્વારા મરામત હાથ ધરાયું હતું.
તાજુ માટીપુરાણ બેસી ગયું
પાલિકાનું કહેવું છે કે, વરસાદી લાઇન નાખ્યા પછી તાજુ માટી પુરાણ છે, પાણીની લાઇન લીકેજ થવાના કારણે માટી બેસી જતાં લીકેજના પાણીથી પોલાણ પડ્યું છે, મરામત કામગીરી ચાલુ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.