સુવિધા:સાબરમતી-જગુદણ રેલલાઇન પર 25 ટ્રેનોને ક્રોસિંગ માટે ઊભું રહેવું નહીં પડે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી નવી લાઈન નખાતાં મુસાફરોનો 10 થી 20 મિનિટ સમય બચશે
  • અમદાવાદથી દિલ્હી, રાજસ્થાન ​​​​​​​જતી અને આવતી તમામ ટ્રેનો હવે સડસડાટ દોડશે

અમદાવાદના સાબરમતીથી મહેસાણાના જગુદણ વચ્ચે રેલવેની બીજી નવીન લાઈન નાખી ગેજ કન્વર્ઝન થતાં બે રેલવે ટ્રેનોના ક્રોસિંગને લઈ જગુદણ ખાતે ઉભી રહેતી તમામ ટ્રેનોને હવે ક્રોસિંગ માટે ઊભું નહીં રહેવું પડે અને મુસાફરોનો કંટાળાજનક સમય પણ બચશે. રેલ મંત્રાલય દ્વારા રૂ.551 કરોડના માતબર ખર્ચે અમદાવાદના સાબરમતીથી મહેસાણાના જગુદણ રેલવે સ્ટેશન સુધી 65 કિલોમીટર લાંબી રેલવેના નવીન ટ્રેકનું વડાપ્રધાન મોદીએ રવિવારે લોકાર્પણ કર્યું હતું.

સાબરમતીથી જગુદણ વચ્ચે નવો ટ્રેક નખાતાં અમદાવાદથી રાજસ્થાન કે દિલ્હી કે પછી અન્ય જગ્યાએ જતી અને આવતી તમામ 25 જેટલી એક્સપ્રેસ ટ્રેનો કે જેને ક્રોસિંગ માટે જગુદણ રેલવે સ્ટેશને 10થી 20 મિનિટ સુધી ઉભું રહેવું પડતું હતું, તે તમામ ટ્રેનોને હવે ઊભું નહીં રહેવું પડે અને સડસડાટ પસાર થશે. જેને લઇ રેલવેમાં મુસાફરી કરતાં લોકોનો કંટાળાજનક સમય પણ બચી જશે.

ઉલ્લેખનીય છે કે, આ લાઈન મહેસાણાથી સાબરમતી સુધી નાખવાની છે. જેમાં જગુદણ સુધીનું કામકાજ રેલ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. જગુદણથી મહેસાણા 10 કિલોમીટરના ટ્રેકનું કામકાજ હજુ ચાલુ છે. એટલે કે મહેસાણા સુધી ટ્રેક નખાઈ ગયા બાદ મહેસાણા ખાતે પણ તમામ ટ્રેનોને માત્ર સ્ટોપેજ માટે જ ઉભું રહેવું પડશે, ક્રોસિંગ માટે ઉભું રહેવું નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...