વિધાનસભા ચૂંટણીને લઈ તમામ જિલ્લાની બોર્ડર ઉપર બનાવવામાં આવેલી ચેકપોસ્ટ અને ચૂંટણી તંત્રની ટીમો મોટી રોકડ જપ્ત કરી તેમજ પાર્સલો પણ ખોલીને ચેક કરતી હોઇ મહેસાણાની તમામ આંગડિયા પેઢીઓએ ચૂંટણીને લઈ હાલ પૂરતો રોકડનો હવાલો લેવાનું બંધ કર્યું છે અને 25 પેઢીઓ બંધ કરી મિનિ વેકેશન ઉપર ઉતરી ગયા છે.
આંગડિયા પેઢીનો વ્યવહાર અને વેપાર વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ ઠપ થઈ બંધ પડ્યો છે. મોટી રોકડ રકમની હેરાફેરી ઉપર જિલ્લાની તમામ બોર્ડરો ઉપર ચૂંટણીને લઇ દેખરેખ રાખતી એફએસટી અને એસએસટીની ટીમો રોકડ પકડાતાંની સાથે જ જપ્ત કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરતાં તેમજ કોઈપણ વાહનમાં જઈ રહેલા પાર્સલ ખોલીને ચેક કરાતાં હોઇ મહેસાણામાં કાર્યરત 25 જેટલી આંગડિયા પેઢીઓએ હાલ રોકડનો હવાલો કે પાર્સલ લેવાનું બંધ કર્યું છે.
આંગડિયા પેઢીના કર્મચારીઓના કહ્યા મુજબ ચૂંટણી આચાર સંહિતા પૂરી થયા બાદ જ તમામ આંગડિયા પેઢીનું કામકાજ નિયમિત રીતે ચાલુ થશે. જોકે, ચૂંટણીને લઇ 20 દિવસથી માંડીને 1 મહિના સુધી આંગડિયા પેઢીઓ બંધ રહેશે તેમ કર્મચારી મૌલિક પટેલે જણાવ્યું હતું. તેમના કહ્યા મુજબ, પેઢીઓ ભલે બંધ હોય પરંતુ કર્મચારીઓના પગાર અને ખર્ચા ચાલુ રહેતા હોય છે. શુક્રવારે શહેરની મોટાભાગની પેઢીઓ બંધ જોવા મળી હતી.
આંગડિયાઓનો સોનીઓના પાર્સલનો મોટો ધંધો
આંગડિયા પેઢીનો મોટાભાગનો ધંધો સોનીઓના પાર્સલનો હોય છે. જેમાં સોના કે ચાંદીની લગડી અને ડાયમંડનાં પતરાં સહિતનાં સામાનનું પાર્સલ બનાવાતું હોય છે. હાલ આચારસંહિતાને કારણે વિવિધ ચેકપોસ્ટો ઉપર ઊભેલી ટીમો પાર્સલ પણ ખોલાવે છે. સામાન્ય રીતે આંગડિયાના ધંધામાં માલિકની હાજરી સિવાય પાર્સલ ખુલતું નથી એટલે 70% જે અમારો ધંધો છે તે પાર્સલ લેવાનું જ અમે બંધ કર્યું છે.
રાજકીય પાર્ટીના રૂપિયા પકડાતાં રોકડ લેવાનું બંધ કર્યું
આંગડિયા પેઢીના અન્ય એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, કેટલાક દિવસો પૂર્વે એક શહેરમાં આમ આદમી પાર્ટીના લાખો રૂપિયા પકડાયા હતા. જેને લઇ અમે રોકડ લેવાની પણ બંધ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.