મહેસાણા દિવ્ય ભાસ્કરની ટીમે શુક્રવારે સિવિલ ઇજનેરને સાથે રાખી મહેસાણા શહેરને બાયપાસ કરતાં 36.8 કિલોમીટરના રોડનો સરવે કર્યો હતો. પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ, માનવ આશ્રમ, ફતેહપુરા સર્કલ, શિવાલા સર્કલ થઇ પાલાવાસણા સુધીના રોડને આવરી લેવાયો હતો. 36.8 કિલોમીટર લંબાઇના આ રોડની હાલની સ્થિતિ જોતાં ચોમાસા દરમિયાન થનાર વરસાદથી કયાં કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે તેનો ચિતાર મેળવ્યો હતો.
નામ નહીં આપવાની શરતે ઇજનેરે જણાવ્યું કે, 36.8 પૈકી 13.1 કિલોમીટરના ટકાટક રોડ પર એક બે જગ્યાએ વરસાદી પાણી ભરાશે. જ્યારે ઠેરઠેર ખખડધજ અને થીંગડાંવાળા 23.7 કિલોમીટરનો રોડ હાલ 30 થી 40 ટકા સાવ ખરાબ છે. આ રોડ ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ 60 ટકા સુધી ધોવાઇ જશે. એમાં પણ વાહન ચાલકોને રોડ ઉપર માર્ગદર્શન આપતાં સફેદ પટ્ટા અને કેટ આઇનો અભાવ અકસ્માતને નોંતરી શકે છે.
માનવ આશ્રમથી ફતેપુરા સર્કલ સુધીનો રોડ ટકાટક પણ આંબેડકર બ્રિજ પર મુશ્કેલી સર્જાઇ શકે છે...
માનવ આશ્રમથી ફતેપુરા સર્કલ સુધીનો 5.4 કિલોમીટરનો રોડ ટકાટક છે. આ રૂટ પર વરસાદને લઇ રોડને નુકસાન થાય તેવી હાલ કોઇ સ્થિતિ નથી. પરંતુ આ રોડ પર ચામુંડા ચોકડી નજીક વરસાદી પાણી ભરાઇ શકે છે. જ્યારે આંબેડકર બ્રિજનો લગભગ અડધા કિલોમીટર મધ્ય ભાગના આરસીસી રોડ પર ડામર-કપચીના થીગડાં માર્યા છે. તે વરસાદમાં ધોવાઇ જતાં ગાબડાં પડી જશે.
પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ સુધીના રોડનું 50 ટકા સુધી ધોવાણ થશે
પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ સુધી 5.7 કિલોમીટરનો રોડ હાલ 30 ટકા ખખડધજ છે. રેલવે ફાટક પર બની રહેલા બ્રિજના બંને બાજુના ડાયવર્ઝન રોડ ઉપર વરસાદી પાણી ભરાતાં રોડ પર ઠેર-ઠેર મોટા ગાબડાં પડશે. શોભાસણ બ્રિજના બંને બાજુનો ઢાળ પણ ધોવાશે. રોડ ઉપર મારેલા તમામ ઠીગડાં ખુલી જતાં નાના-મોટા ગાબડાં પડશે. તેમજ છુટી પડેલી કપચી વાહન ચાલકોને નુકસાન કરી શકે છે. પ્રથમ ત્રણેક વરસાદમાં જ રોડ 50 ટકા સુધી ધોવાઇ જશે.
રામપુરા સર્કલથી માનવ આશ્રમ રોડ પર પાણી ભરાશે
રામપુરા સર્કલથી માનવ આશ્રમ સર્કલ સુધીના 6.2 કિલોમીટરનો રોડ હાલ 10 ટકા જેટલો ખખડધજ છે. રામપુરા સર્કલથી સાંઇબાબા મંદિર સુધીના રોડ ઉપરના થીંગડાં ધોવાઇ જતાં ગાબડાં દેખાશે. લાખવડ નજીક રોડ પર પાણી ભરાશે. ખારી નદીના પુલથી માનવ આશ્રમ સર્કલ સુધી રોડની બાજુમાં નાખેલી વરસાદી પાણીના નિકાલની લાઇનની ઉપરનો ભાગ બેસી જશે. માનવ આશ્રમ સર્કલ નજીક રોડ પર પાણી ભરાશે.
હેડુવા સર્કલના 60 ટકા રોડ પર સૌથી વધુ ગાબડાં પડશે
ફતેપુરા સર્કલથી હેડુવા સર્કલ સુધીના 19.5 કિમીના રોડ પૈકી પાંચોટ ડી માર્ટ સર્કલ સુધીના 5 કિમી નવીન સિક્સ લેન રોડ તેમજ શિવાલા સર્કલથી હેડુવા સર્કલ સુધી 2.7 કિલોમીટરના રોડને વરસાદની કોઇ ખાસ અસર નહીં થાય. પરંતુ પાંચોટ બાયપાસ સર્કલથી શિવાલા સર્કલ સુધીનો 11.8 કિલોમીટરના રોડ ઉપર મારેલા તમામ થીંગડાં સામાન્ય વરસાદમાં જ ધોવાઇ જશે. 40થી વધુની સ્પીડમાં વાહન ચલાવી શકાશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.