મહેસાણા નગરપાલિકા દ્વારા જર્જરિત મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટરના કરાવાયેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં એન્જિનિયરે બંને બિલ્ડિંગ ભયજનક હોઇ ઉપયોગમાં નહીં લેવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. જેને પગલે નગરપાલિકા દ્વારા બંને શોપિંગ સેન્ટરના વેપારીઓને ઉપયોગ બંધ કરવા અંગે રૂબરૂ નોટિસ આપવાનું નક્કી કરાયું હતું. બુધવારે ગાંધી શોપિંગ સેન્ટરમાં નોટિસ આપવા ગયેલી ટીમ આગળ વેપારીઓ એકઠા થઇ ક્યાં સુધી બંધ રાખવાનું, કેટલા સમયમાં સમારકામ વગેરે કોઇ બાબતોનો ઉલ્લેખ ન હોઇ નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કરતાં ટીમ પરત ગઇ હતી.
જ્યારે રાજમહેલ રોડ શોપિંગ સેન્ટરમાં કેટલાક વેપારીઓએ નોટિસ સ્વીકારી હતી અને કેટલાકે નહીં સ્વીકારતાં તેમની દુકાન આગળ નોટિસ લગાવી દેવાઇ હતી. દરમિયાન, ચીફ ઓફિસર દ્વારા હવે ગાંધી શોપિંગ સેન્ટરમાં ભાડૂઆત વેપારીઓને આરપીએડીથી નોટિસ બજાવી પંચનામુ કરવા શાખા અધિકારીને સૂચના અપાઇ હતી.નગરપાલિકા હસ્તકના ગાંધી શોપિંગ સેન્ટરમાં 225 દુકાનો અને રાજમહેલ રોડ શોપિંગમાં 92 દુકાનો છે. આ વેપારીઓ માટે ઇસ્યુ કરાયેલી નોટિસમાં પાલિકાએ જણાવ્યું છે કે, ગાંધી શોપિંગ સેન્ટરમાં થોડા સમય પહેલાં પ્રથમ મજલાની પેરાફીટની લટક તૂટીને નીચે પડી ગઇ છે.
અન્ય ભાગો પણ જર્જરીત જણાય છે. સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે અભિપ્રાય મેળવતાં શોપિંગ સેન્ટર ઉપયોગમાં ન લેવા જણાવાયું છે. ત્યારે દુકાનનો ઉપયોગ બંધ કરવો. જો ઉપયોગમાં લેવામાં આવશે તો કોઇ ગ્રાહક કે ત્યાંથી પસાર થતાં કોઇ વ્યક્તિને કોઇપણ જાતની જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપ (વેપારીઓ)ની રહેશે. પાલિકાના સૂત્રોએ કહ્યું કે, બે-ત્રણ વેપારીને નોટિસ આપવા જતાં ઘણા વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને આ પત્રમાં ક્યાંથી ક્યાં સુધી ઉપયોગ બંધ રાખવો તેનો કોઇ ઉલ્લેખ નથી, સમારકામ ક્યાં સુધી કરવાનું છે જેવી બાબતો નથી તેમ કહી નોટિસ સ્વીકારી નહોતી.
ઉલ્લેખનિય છે કે, નગરપાલિકાની માલિકીના 10 કોમ્પલેક્ષ પૈકી પરા તળાવ અને ટીબી રોડ કોમ્પલેક્ષમાં દુકાન ટ્રાન્સફરમાં ત્રણ ગણા ભાડાદર લાગુ થાય છે. જ્યારે અન્ય 8 કોમ્પલેક્ષમાં દુકાન ટ્રાન્સફરમાં છ ગણા ભાડા દર વસૂલાય છે. આ સાથે દુકાન ટ્રાન્સફરમાં રૂ.2500થી રૂ.5000 સેફ્ટી સિક્યોરિટી પાલિકામાં ભરીને દુકાન ભાડૂઆત બદલાતા હોય છે.
મોકાની જગ્યા હોઇ દુકાનોનું લાખોમાં વેચાણ થતું હોવાની ચર્ચા
નગરપાલિકાની માલિકીના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરમાં વર્ષ 2018-19થી વર્ષ 2022-23 અત્યાર સુધીમાં 22 અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટરમાં 6 મળી કુલ 28 દુકાનના માલિકો વેચાણથી બદલાયા છે. જેમાં પાલિકામાં સૂચિત ટ્રાન્સફર ફી ભરી આ દુકાનના ભાડૂઆત બદલાયા છે. આ બંને શોપિંગ સેન્ટરમાં દુકાન ટ્રાન્સફર થતાં મૂળ ભાડાથી 6 ગણું માસિક ભાડું લાગુ થાય છે. એટલે કે, રૂ.193થી રૂ.235 ભાડું હતું તે હવે આ દુકાનોનું માસિક રૂ.1200 જેટલું ભાડુ પાલિકા વસૂલી રહી છે. જોકે, અંદરોઅંદર દુકાન વેચાણ (ભાડૂઆત)માં મોકાની જગ્યા હોઇ રૂ.50 લાખથી લઇ રૂ. એક કરોડ સુધીમાં દુકાનોનું વેચાણ થતું હોવાનું પણ ચર્ચા છે.
પાલિકાની નોટિસ બાદ જનતા સુપર માર્કેટના વેપારીઓએ જાતે બાંધકામ દૂર કરવાનું શરૂ કર્યું
મહેસાણા જનતા સુપર માર્કેટ પાછળ માર્જીનમાં કરાયેલું બાંધકામ દૂર કરવાનું વેપારીઓએ શરૂ કર્યું છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, બુધવારે જનતા સુપર માર્કેટના વેપારીઓ મળ્યા હતા અને તેમણે પણ જાતે પાછળનું વધારાનું બાંધકામ દૂર કરીશું તેમ જણાવી કામગીરી શરૂ કરાવી છે. જનતા સુપર માર્કેટમાં 12 દુકાન પાછળની બારીનો ભાગ પૂરી દુકાનો લાંબી કરવા સ્લેબ બીંબ ભરાયા હતા, જેમાં એક બીંબ તોડી પડાયો છે. અહીં પાછળ પાલિકાના વોટર વર્કસની દીવાલનો ભાગ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.