વેપારીઓ પાસેથી બાકી વેરા વસુલાત માટે સરકારની વ્યાજ પેનલ્ટી માફીમાં પ્રોત્સાહન આપતી સમાધાન યોજનાના ત્રણ મહિનામાં મહેસાણા શહેરમાં બાકી પૈકી 2032 વેપારીઓએ મૂળ વ્યવસાય વેરાની કુલ રૂ.1,32,89,048 રકમ ભરપાઇ કરી કુલ રૂ. 39,02,146ના વ્યાજમાંથી મુક્તિનો લાભ મેળવ્યો છે. જોકે, હજુ 15200 બાકીદારો પાસેથી વ્યાજ સાથે રૂ.12 કરોડ વસુલવાના બાકી હોઇ સમાધાન યોજના લંબાવવા માંગ ઉઠી છે.
મહેસાણા નગરપાલિકામાં 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં વ્યવસાય વેરા સમાધાન યોજનામાં બાકી 2032 કરદાતાઓથી કુલ રૂ.1,32,89,048ની આવક થઇ છે. જેમાં આ કરદાતાઓને 18 ટકા ચઢેલા વ્યાજલેખે કુલ મળી રૂ. 39,02,146 વ્યાજની રકમ ભરવામાંથી મુક્તિ મળી છે. નગરપાલિકામાં સમાધાન યોજનામાં રોકડથી રૂ.4,89,3145, ચેકથી રૂ.76,28,038, ક્યુઆરકોડ સ્કેન કરીને રૂ.6,52,120 અને ઓનલાઇન રૂ.1,15,745 જમા કરાવાયા છે.
નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, શહેરમાં કુલ 15200 વેપારીઓનો પેનલ્ટી સાથે કુલ રૂ.12 કરોડ વેરો બાકી છે. સમાધાન યોજના લંબાવાય તો વ્યાજ મુક્તિનો લાભ ભરનાર કરદાતાને મળી શકે. આ અંગે નગરપાલિકા પ્રમુખે ગુજરાત પાલિકા પરિષદમાં પણ રજૂઆત કરી હતી. જોકે, હજુ સરકાર દ્વારા સમાધાન યોજનાની મુદતમાં કોઇ વધારો જાહેર કરાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.