વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર ખર્ચ નિયંત્રણ કમિટી દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આ કમિટીની બાજનજરમાં જિલ્લાના ત્રણ બેન્ક ખાતામાં રૂ.20 લાખનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યાં છે. જેને પગલે નોડલ અધિકારી દ્વારા કાર્યવાહી કરવા આ શંકાસ્પદ વ્યવહારોનો રિપોર્ટ ખર્ચ ઓબ્ઝર્વરને કરવામાં આવ્યો છે.
વ્યવહારો પર ચૂંટણી તંત્ર દ્વારા નજર
જિલ્લાની વિધાનસભાની ચૂંટણી દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે તમામ બેન્કોને જાણ કરી રિપોર્ટ કરવા ખર્ચ નિયંત્રણ કમિટીના નોડલ અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા તાજેતરમાં તાકીદ કરાઇ હતી. જેને પગલે લાખોના વ્યવહારો પર ચૂંટણી તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
ત્રણ ખાતાઓમાં 20 લાખ રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
તેવામાં ત્રણ જેટલા ખાતાઓમાં 20 લાખ રૂપિયાનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવતાં રાષ્ટ્રીય કૃત બેંક દ્વારા કરાયેલા રિપોર્ટને પગલે ખર્ચ નિયંત્રણ કમિટીના નોડલ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આ તમામ શંકાસ્પદ વ્યવહારોનો એક અહેવાલ તૈયાર કરી ખર્ચ ઓબ્ઝર્વરને રિપોર્ટ કરાયો છે. જેને આધારે હવે ઓબ્ઝર્વર દ્વારા કાર્યવાહી અંગે નિર્ણય કરાશે. જરૂર જણાયે આઇટીને તપાસ સોંપાશે.
પાલનપુરમાં કારમાંથી ~99.42 લાખનું 2.29 કિલો સોનું જપ્ત
પાલનપુર | ચૂંટણી દરમિયાન વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જેને લઇ વાહનોમાંથી હિસાબો વગર નીકળતી રોકડ રકમ અગાઉ ઝડપાઈ હતી. જે બાદ હવે કારમાંથી 2.29 કિલો સોનું ઝડપાયું છે. જેની કિંમત રૂ.99.42 લાખ થવા જાય છે. પાલનપુર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન ચૂંટણી અંગેની કામગીરીમાં રોકાયેલી સર્વેલન્સ ટીમે સોનું જપ્ત કરતાં હોલસેલ પેઢીના માલિકે બિલો રજૂ કર્યા હતો જેની ખરાઈ કરવા સંબંધિત વિભાગને જાણ કરાઇ છે. ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આંધ્રપ્રદેશથી મહેસાણા પૈસા ટ્રાન્સફર થયા છે
રાષ્ટ્રીયકૃત બેંકે કરેલા રિપોર્ટ મુજબ આંધ્રપ્રદેશના એક ખાતામાંથી મહેસાણા જિલ્લાના અલગ અલગ ત્રણ ખાતામાં રૂ. 20 લાખના ટ્રાન્ઝેક્શન થયાં છે. ખર્ચ નિયંત્રણ કમિટીના નોડલ અધિકારી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, ઓબ્ઝર્વરને રિપોર્ટ કરાયો છે. આગળ તેઓ કહેશે તો ત્રણેય ખાતાધારકની રૂપિયા ક્યાંથી આવ્યા છે, કોને મોકલ્યા છે અને શાના રૂપિયા છે તે સહિતની તપાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.