કાર્યવાહી:વિજાપુર ખૂન કેસના આરોપી સહિત 2 ચોર ઝબ્બે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાની 7 ઘરફોડ અને વાહનચોરીઓ કબૂલી
  • મહેસાણા એલસીબીએ રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ

મહેસાણા એલસીબીએ વિજાપુર હાઇવે પરથી રિક્ષામાં ચોરીના બાઇક સાથે હિંમતનગરના બે શખ્સોને પકડી પૂછપરછ કરતાં ગાંધીનગર અને સાબરકાંઠાના ઘરફોડ અને વાહનચોરીના 7 ગુનાની કબૂલાત કરતાં પોલીસે બંને પાસેથી રૂ.2,82,400નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી કરી હતી. પકડાયેલો એક આરોપી ખૂન કેસમાં જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું.

વિજાપુરના ટીબી હોસ્પિટલ ત્રણ રસ્તા પાસે વોચમાં રહેલી એલસીબી પોલીસે લોડિંગ રિક્ષા (જીજે 08 એટી. 4250)ને ઉભી રખાવી પૂછપરછ કરતાં હિંમતનગર પાણપુર પાટિયા નજીક રહેતા મૂળ ધાણધા, રણાસણના શંકર ઉર્ફે કરણ લક્ષ્મણભાઇ બજાણિયા અને રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઇ બજાણિયા ભાગી પડ્યા હતા અને ઘરફોડ તથા વાહનચોરીના આરોપી હોવાનું કબૂલતાં તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, બે મોબાઇલ, લોડિંગ રિક્ષા અને પેસન બાઇક મળી કુલ રૂ.2,82,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શંકર બજાણિયા ખૂન કેસમાં પેરોલ જંપ કરી ફરાર હતો
ઝડપાયેલ શંકર બજાણિયાનો ગુનાહિત ઇતિહાસ છે. તેણે વર્ષ 2014માં હિંમતનગરના ટીનાભાઇ બજાણિયાનું મહુડીમાં ખૂન કર્યું હોઇ માણસા પોલીસમાં ગુનો નોંધાયો છે. 2016માં ગાંધીનગરની કાજલ મારવાડીનું ખૂન કરતાં વિજાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. જેને ખૂન કેસમાં આજીવન કેદની સજા થતાં અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી તરીકે રખાયો હતો અને ગત 7 જુલાઇએ હાજર થવાનું હોવા છતાં હાજર ન થઇ નાસતો ફરતો હતો. આ સિવાય ચોરી અને મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે.

આ 7 ચોરીની કબૂલાત કરી
1. તલોદમાં બંધ મકાનમાં ચોરી
2. તલોદમાં શ્રીજી જ્વેલર્સમાં ચોરી
3. માણસાના આજોલમાં જ્વેલર્સમાં ચોરી
4. આજોલમાં ગોહીલ ટેલર્સમાં ચોરી
5. આજોલમાં ગાયત્રી ક્લિનિકમાં ચોરી
6. પેથાપુરમાં રિક્ષા અને બાઇકની ચોરી
7. ગાંભોઇ પાસે જાંબુડી ગામે બાઇકની ચોરી

આ 4 આરોપી પકડવાના બાકી
1. કાળુ બાબુભાઇ ભીલ (રહે. હિંમતનગર ગીરધરનગર સરકારી આવાસ)
2. અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઇ બજાણિયા (રહે. હિંમતનગર, પાણપુર)
3. સુરેશ ગોવિંદભાઇ મારવાડી (રહે. ઇડર)
4. જેઠા બાબુભાઇ બજાણિયા (રહે. હિંમતનગર છાપરિયા)

અન્ય સમાચારો પણ છે...