તસ્કરી:સાંથલમાં 2 મંદિર તૂટ્યાં, 7 મૂર્તિ સાથે 11.75 લાખની ચોરી

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રબારીવાસમાં ગોગા મહારાજ અને ચેહર માતાના મંદિરમાંથી સોના-ચાંદીની 7 મૂર્તિઓ, સાડા 11 કિલો ચાંદી અને 150 ગ્રામ સોનાનાં આભૂષણો ચોરાયાં
 • મધરાતે પડોશીએ બૂમાબૂમ કરતાં ચોરો ભાગ્યા, શોધ્યા પણ હાથ ના આવ્યા

જોટાણા તાલુકાના સાંથલ ગામે રબારીવાસમાં આવેલા ગોગા મહારાજ મંદિર અને ચેહર માતાજીના મંદિરના દરવાજાનાં તાળાં તોડી તસ્કરો શનિવારે રાત્રે અડધા કલાકમાં સોના-ચાંદીની 7 મૂર્તિઓ સાથે 150 ગ્રામ સોના અને 11 કિલો 500 ગ્રામ ચાંદી મળી કુલ રૂ.11.75 લાખનાં આભૂષણો ચોરી જતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. અવાજ થતાં જાગી ગયેલ પાડોશી મહિલાએ બૂમાબૂમ કરતાં ચોરો નાસી ગયા હતા. ગ્રામજનોએ પોલીસ બોલાવી શોધખોળ કરી પરંતુ ચોરોનો પત્તો લાગ્યો નહોતો.

સાંથલ ગામે મોટા રબારીવાસમાં બાજુબાજુમાં આવેલા ચેહર માતાજી અને ગોગા મહારાજના મંદિરમાં શનિવારે રાત્રે 1.30 થી 2માં ત્રાટકેલા તસ્કરો ગોગા મહારાજ અને ચેહર માતાજીની મૂર્તિઓ તેમજ આભૂષણો ચોરી ગયા હતા. રાત્રે બે વાગે બૂમાબૂમ થતાં મંદિર આસપાસ ગામલોકો દોડી આવ્યા હતા.

સામાજિક કાર્યકર ભીખુદાન ગઢવીને જલ્દી મંદિર આવવા ભુવાજી ગમનભાઇ દેસાઇનો ફોન આવતાં તેઓ પણ દોડી ગયા હતા. તપાસ કરતાં ગોગા મહારાજ તથા ચેહર માતાજીના મંદિરના દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં અને મંદિરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તસ્કરો બંને મંદિરમાંથી કુલ સોનાના રૂ.150 ગ્રામ અને ચાંદીના 11.500 કિલોગ્રામનાં આભૂષણો અને મૂર્તિઓની ચોરી કરી ગયા હતા. જેમાં સોના-ચાંદીની 7 મૂર્તિ, નાનાં-મોટાં ચાંદીનાં 21 છત્ર સહિત આભૂષણોનો સમાવેશ થાય છે. ભીખુદાન ગઢવીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં રૂ.11.75 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

સામાજિક કાર્યકર ભીખુદાને કહ્યું કે, તસ્કરો રાત્રે 1.30થી 1.45 વચ્ચે ચેહર માતાજીના મંદિરથી ચોરી કરી ગોગા મહારાજના મંદિરમાં જઇ ચોરી કરતા હતા. ત્યારે બાજુના ઘરમાં સૂતેલ મહિલા જાગી જતાં બૂમો પાડી હતી. આથી તસ્કરો ભાગી ગયા હતા. જેને લઇ ગોગા મહારાજની નાની મૂર્તિ અને ચાંદીના છત્ર ચોરી થતાં બચી ગયાં હતાં.

ડોગ કટોસણ રોડ જઇ અટકી ગયો, ત્રણ તસ્કરો હતા...
મહિલાએ બૂમો પાડતાં ભાગેલા 3 તસ્કરોને ગામના એક ભાઇએ જોયા હતા. ચોરી અંગે જાણ કરતાં સાંથલ પોલીસ દોડી આવી હતી. પોલીસ ડોગ મંદિરથી એકાદ કિ.મી. અંતરે કટોસણ રોડ જઇને અટકી જતાં અહીંથી તસ્કરો વાહનમાં ભાગી ગયા હશેનું ગામલોકોનું માનવું છે.

શનિવારે રાત્રે 1.30 થી 2ના અડધા કલાકમાં ચોરીને અંજામ આપ્યો

 • ગોગા મહારાજ મંદિરમાંથી 50 ગ્રામ સોનાની મૂર્તિ રૂ.2 લાખ
 • 4 કિલો ચાંદીની 4 મૂર્તિઓ રૂ. 2 લાખ
 • લાખણેચી ચેહર માતાજી મંદિરમાંથી 70 ગ્રામ સોનાના 7 છત્ર રૂ. 2.80 લાખ
 • ચેહર માતાજી અને 10 ગ્રામ સોનાનો સિક્કો રૂ.40 હજાર
 • 20 ગ્રામની બે સોનાની નથણી શેર સાથે રૂ.80 હજાર
 • 4 કિલો ચાંદીના મોટા 4 છત્ર, નાના 10 છત્ર રૂ.2 લાખ
 • એક કિલો ચાંદીનું બે મોરની છાપવાળુ પારણું રૂ.50 હજાર
 • 500 ગ્રામ ચાંદીની તલવાર રૂ.25 હજાર
 • 2 કિલો ચાંદીની 2 મૂર્તિ, ચાંદીની એક ગાય તથા ચાંદીનો એક ઘોડો રૂ.1 લાખ
અન્ય સમાચારો પણ છે...