સિદ્ધિ:દુર્ગમ પહાડી અને હાઇવે આજુબાજુ વૃક્ષોનાં 100 કરોડથી વધુ બીજ નાખનારા મહેસાણાના 2 યુવાનોનું નામ વર્લ્ડ રેકોર્ડસમાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિક્રમ પરમાર અને રાહુલ સોલંકીનું નામ બ્રાવો આં.રા. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં

વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જંગલોનો નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વનસ્પતિ અને તેના પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. આવી પર્યાવરણીય આફતથી પ્રાણી, વનસ્પતિ તથા પક્ષીઓને બચાવવાનો વિચાર સ્ફૂરતાં મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર નામના બે યુવાનોની જોડીએ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત "હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત' બીજનું વિકિરણ (વૃક્ષના બીજ નાખવા)નું શરૂ કર્યું અને વર્ષ 2022માં ચોમાસાના 4 મહિનામાં જ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 100 કરોડથી વધુ વૃક્ષના બીજ નાખતાં બ્રાવો ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, શારજાહ, યુએઈ દ્વારા “Asian Sub-Continental Edition 2023”માં સમાવેશ કરી બંનેને એવોર્ડથી સન્માનિત કરાયા છે.

મહેસાણામાં વિસનગર લીંક રોડ પર જશોદાનગરમાં રહેતા ઊંઝાની નવાપુર પ્રા.શાળાના શિક્ષક વિક્રમ લક્ષ્મણભાઈ પરમાર અને સોમનાથ રોડ ગજાનંદ ટેનામેન્ટમાં રહેતા કલેક્ટર કચેરીના ક્લાર્ક રાહુલ હરગોવિંદભાઈ સોલંકી સ્વખર્ચે રજાના દિવસોમાં બીજ વિકિરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, વૃક્ષારોપણ વિશે વિચારતા હતા પણ મગજમાં એક નવો વિચાર આવ્યો કે જો શક્ય બને તો અલગ અલગ વનસ્પતિના અને ત્યાંના વાતાવરણને અનુકૂળ આવે તેવાં બીજ કેમ ના નાખીએ? બહોળા પ્રમાણમાં બીજ નાખીએ તો વધુ પ્રમાણમાં બીજ ઊગી નીકળવાની શક્યતા વધી જાય. જેથી ભવિષ્યમાં વધુ સંખ્યામાં વૃક્ષો ઊગે. આથી દુર્ગમ, પહાડી તથા હાઇવે અને જ્યાં વૃક્ષો જોવા નથી મળતાં ત્યાં વૃક્ષો ઉગી નીકળે તેવા હેતુથી લીમડો, દેશી બાવળ, ઊમરો, વડ, પીંપળ, બહેડો, જાંબુ, હિના મહેંદી, કણજી, કરંજ, ગુંદા વગેરે વનસ્પતિના બીજ નાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...