મહેસાણા જિલ્લામાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 254 શાળાઓ અને સરકારી 15 શાળાઓમાં અગાઉ 5 વર્ષ ફીક્સ પગારની નોકરીમાં નિમણૂંક પામેલા શિક્ષણ સહાયક, વહીવટી સહાયક, સાથી સહાયક મળી કુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢે કર્યો છે. એક જ દિવસે સળંગ નોકરીના શાળાઓને આદેશ આપવામાં મહેસાણા રાજ્યમાં પ્રથમ જિલ્લો રહ્યો હોવાનું માધ્યમિક શિક્ષક સંઘના સુધીર પટેલે જણાવ્યું હતું.
ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ષ 1999 પછી ફિક્સ પગારથી 5 વર્ષ નોકરી કરનાર શિક્ષકો, ક્લાર્ક, પટાવાળાને નોકરીનો સમયગાળો સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી અને સરકારની સ્વિકૃતિ પછી અમલમાં આવી છે.
જેમાં મંગળવારે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢ, પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા.ગૌરાંગ વ્યાસ, શિક્ષક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગ્રાન્ટેડ શાળાના 1722 કર્મચારીઓ અને સરકારી શાળાઓના 56 કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર શાળાઓને એનાયત કરવામાં આવ્યા હતા. ફીક્સ નોકરીનો સમયગાળો હવે ઉચ્ચ પગાર, બઢતી અને નિવૃત્તિ વિષયક લાભોમાં ગણવામાં આવશે. ત્યારે શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ નોકરીના 9 વર્ષ અને 18 વર્ષે આવતું હોઇ તેમાં શરૂઆતના ફિક્સ પગારના 5 વર્ષનો સમયગાળો ગણાશે. અત્રે શિક્ષણ નિરીક્ષક અશોક ઠક્કર, અશોક પટેલ, ઉર્મિલાબેન, અશોક ચૌહાણ સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં કાર્યરત રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.