તપાસ:ઊંઝા પાલિકામાં ભૂતિયા સફાઈકર્મીઓના નામે 16 લાખનું હાજરી કૌભાંડ આચરાયાના આક્ષેપો

ઊંઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના 12 નગરસેવકોની ચીફ વિજિલન્સ કમિશ્નર અને એસીબી નિયામકને લેખિત રજૂઆત
  • સત્તાધીશો, ચીફ ઓફિસર સહિતે આઉટ સોર્સિંગ એજન્સી સાથે મળી ગોટાળો કર્યો હોવાના આક્ષેપ

ભાજપ શાસિત ઊંઝા પાલિકાના સત્તાધીશોની મીલીભગતથી ભૂતિયા સફાઈકર્મીઓના નામે હાજરી પૂરી 4 મહિનામાં રૂ.16 લાખથી વધુનો ભષ્ટ્રાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષના 12 નગરસેવકો દ્વારા કરાયો છે. આ મામલે તપાસ કરવા ચીફ વિજિલન્સ કમિશ્નર અને એસીબી નિયામક ગાંધીનગરને લેખિત રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, પાલિકામાં રાત્રી સફાઈ કામદારોની બોગસ હાજરી પૂરી ગત સમયના મુખ્ય અધિકારી અલ્પેશ પટેલ, રાત્રિ સફાઈ કોન્ટ્રાક્ટર નિરવ એન્ટરપ્રાઇઝ, વર્તમાન પાલિકા પ્રમુખ રીંકુબેન પટેલ, ઉપપ્રમુખ અલ્પેશ પટેલ, કારોબારી ચેરમેન પ્રીતેશ પટેલ, બાંધકામ ચેરમેન રાજેશ પટેલ, ગુમાસ્તા ધારા ચેરમેન રાજેશ પટેલ સહિતના સત્તાધીશોની મીલીભગતથી હાજરીમાં લાખોનો ભષ્ટ્રાચાર આચરાયો છે. જેની કાઉન્સિલર તરીકે તેમજ ત્રાહિત વ્યક્તિએ RTI દ્વારા માગેલી માહિતી જાહેર માહિતી અધિકારી દ્વારા આંશિક માહિતી પૂરી પડાઇ છે.

કરાર મુજબ ટેક્ષ ભરપાઇ કર્યા વિના જ ઓક્ટોબરનું રૂ.4,63,162,24 અને નવેમ્બર માસનું રૂ.4,62,165,12નું બિલ સફાઈ કામદારોના નામ, સમય, ઓળખપત્ર વિના જ માત્ર બોગસ આંકડાકીય હાજરી દર્શાવી ચુકવાયું છે. આક્ષેપ મુજબ, ગત ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર-2021 અને જાન્યુઆરી-2022માં આ હાજરી કૌભાંડ આચરાયું છે અને પાલિકા ચોપડે રેકોર્ડ ગાયબ છે. એક માસનું બિલ અગાઉ રૂ.4.62 લાખ ચુકવાતું હતું, જે ઘટીને હવે રૂ.1.06 લાખ થઈ ગયું છે. દર મહિને રૂ.3 લાખ વધુ ચુકવાયા છે.

ભ્રષ્ટાચારી સામે કડક પગલાં લેવાય : વિપક્ષના નેતા
પાલિકાના વિપક્ષના નેતા ભાવેશ પટેલે જણાવ્યું કે, નીરવ એન્ટરપ્રાઈઝને રાત્રિ સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. રાત્રિ સફાઈના બિલો અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ભૂતિયા હાજરીઓથી બિલો બનાવાયા છે. પાલિકાના રેકર્ડ પર કોઈ વિગતો નથી. કથિત પાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશો અને તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિતે આખું પ્રકરણ આરંભ્યું છે. બોગસ બિલો થકી રૂ.16 લાખનો ભ્રષ્ટાચાર આચરાયો છે. રજૂઆત પછી સફાઈનાં બિલો જોતાં સ્પષ્ટ થાય છે કે પહેલાં બિલો રજૂ કર્યા તેમાં ભ્રષ્ટાચાર થયો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

આરોપો બિલકુલ ખોટા
પાલિકાના ઉપપ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું કે, ભાવેશ પટેલ સહિતે લગાવેલા આરોપો બિલકુલ ખોટા અને વાહિયાત છે. એમનું કહેવું છે કે હાજરીમાં ભષ્ટાચાર થયો છે. હાજરી પૂરવાની જવાબદારી ચૂંટાયેલી પાંખની હોતી નથી, હાજરી પૂરવાની જવાબદારી કર્મચારીની હોય છે.

અન્ય સમાચારો પણ છે...