મહેસાણા જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટ ઇન એઇડ 145 હાઇસ્કૂલોમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા 210 ઉમેદવારોને મંગળવારે મહેસાણા સાર્વજનિક શૈક્ષણિક સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જે-તે શાળામાં નિયુક્તિ પત્ર એનાયત કરાયાં હતાં. આ પહેલાં જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર એચ.કે. પટેલ, ડીડીઓ એમ.વાય. દક્ષિણી, અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, નાયબ નિયામક તરૂલત્તાબેન પટેલ, ડીઓ ડૉ. એ.કે. મોઢ, ડીપીઇઓ ર્ડા. ગૌરાંગ વ્યાસના હસ્તે 10 ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેના નિમણૂંક ઓર્ડર અપાયા હતા.
કોરોના મહામારીને લઇ હોલમાં 50-50 ઉમેદવારોને એન્ટ્રી આપી નિયુક્તિપત્ર વિતરણ કરાયાં હતાં. કલેક્ટર એચ.કે.પટેલે શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વગુરુ સુધી પહોંચાડશો, દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ડીડીઓ એમ.વાય. દક્ષિણીએ જણાવ્યું કે, શિક્ષણ થકી ઉન્નત સમાજનું નિર્માણ થાય છે. શિક્ષકે હંમેશાં વિદ્યાર્થી રહી સતત શીખતા રહેવું, જેથી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.