મેઘ મહેર:રૂપેણ નદીમાં કલાકે 1.41 કરોડ લિટર નર્મદાનું પાણી છોડાયું

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી તાલુકાના નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં
  • પુષ્પાવતી નદીમાં પણ પાણી છોડવાની વિચારણા

બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી રૂપેણ નદીમાં શનિવારે સવારે પ્રતિ કલાકે 1.41 કરોડ લિટર નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નર્મદા વિભાગ પુષ્પાવતી નદીમાં પણ નર્મદાનું પાણી છોડી શકે છે.આથી નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરી નદીમાં નહીં જવા જણાવાયું છે.નદીમાં છોડેલા પાણીથી નદીકાંઠાના ગામડાઓમાં ભૂગર્ભજળની સપાટીમાં સુધારો આવશે.

નર્મદા ડેમ સરદાર સરોવરની સપાટી 430.61 ફૂટ પહોંચતાં ડેમનું પાણી રાજ્યની અન્ય નદીઓમાં છોડાઇ રહ્યું છે. શનિવારે વહેલી સવારે રૂપેણ નદીમાં નર્મદાનું પાણી છોડાયું હતું. આ વિભાગે મહેસાણા જિલ્લા ડિઝાસ્ટર કચેરીને જાણ કરી હતી. ડિઝાસ્ટર વિભાગે બહુચરાજી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતાં તેમણે તાલુકાના નદીકાંઠાના ગામોના સરપંચ-તલાટીઓને રૂપેણમાં નર્મદાનું પાણી છોડાતાં સાવચેતી રાખવા જણાવ્યું હતું.

શનિવારે સવારે 7 વાગ્યાથી રૂપેણ નદીમાં દર કલાકે 1.41 કરોડ લિટર પાણી છોડાઇ રહ્યું છે. જેને લઈ નદી બે કાંઠે થઈ હતી. પુષ્પાવતી નદીમાં પણ નર્મદાનું પાણી છોડવાની વિચારણા ચાલી રહી છે. નિષ્ણાતોના મતે નદીમાં છોડાયેલા પાણીના કારણે નદીકાંઠાની આસપાસના ગામોમાં ભૂગર્ભજળની સપાટીમાં સુધારો આવશે. જેનો ફાયદો આગામી શિયાળુ વાવેતર સમયે મળશે તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...