મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓને ગુમ થવા કે પછી ભાગી જવાનું પ્રમાણ દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાંથી 130 જેટલી સગીરાઓ કોઈના કોઈ કારણોસર ગુમ થઈ ગઈ હતી. જે પૈકી 121માંથી મોટાભાગની પોલીસ મારફતે અને અન્ય પોતાની જાતે ઘરે પરત આવી ચૂકી છે.
410 જેટલી મહિલાઓ જિલ્લામાંથી ગુમ થઈ
સગીરાઓની જેમ મહિલાઓનો ગુમ થવાનો આંકડો ત્રણ ગણો એટલે કે 410 જેટલી મહિલાઓ જિલ્લામાંથી ગુમ થઈ છે. જેમાંથી 83 જેટલી મહિલાઓ પરત આવી છે. 327નો હજુ પણ કોઈ પતો મળ્યો નથી.મહેસાણા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો જ એક ભાગ છે. પીઆઇ ભાવેશ રાઠોડની આગેવાનીમાં યુનિટ દ્વારા 10 મહિનામાં 31થી વધુ સગીરાઓ આંતરરાજ્ય અને આંતર જિલ્લાઓમાંથી રેસ્ક્યુ કરીને પરિવારને સોંપી હતી.
121 પોલીસ મારફતે પોતાના ઘરે પરત ફરી
સગીરાઓ ગુમ થવાના કેટલાક કિસ્સા એવા પણ હતા કે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના હરેન્દ્રસિંહ વિશ્વનાથસિંહ જયદેવસિંહ ધીરુભાઈ અને અક્ષયસિંહની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં દસ દિવસ સુધી ધામા નાખીને મહામુસીબતે સગીરાઓને ઘરે લાવી પરિવારને સોંપી હતી. લાંબા સમય સુધી સગીરાઓની ભાળ ન મળતા હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ થતાં એસઓજીની ટીમ આવી સગીરાઓને પણ શોધી લાવી છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ગુમ થયેલી 130 સગીરાઓ પૈકી 121 પોલીસ મારફતે કે પછી અન્ય રીતે પોતાના ઘરે પરત ફરી ચૂકી છે.
14 કિશોરો અને 120 જેટલા પુરુષો પણ ગુમ થયા
બીજી તરફ સગીરાઓની સાપેક્ષમાં જિલ્લામાં મહિલાઓ ગુમ થવાનું પ્રમાણ ત્રણ ગણું નોંધાયું છે. જેમાં એક વર્ષમાં ગુમ થયેલી 410 મહિલાઓ પૈકી માત્ર 83 જ મહિલાઓ પરત આવી ચૂકી છે. જ્યારે 327ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી એકલી મહિલાઓ કે સગીરાઓ જ નહીં પરંતુ 14 કિશોરો અને 120 જેટલા પુરુષો પણ જિલ્લામાંથી ગુમ થયા છે.
વિસનગરની બે સગીરા દિલ્હી મેટ્રો સ્ટેશનથી મળી
ધોરણ 10ની પરીક્ષા ન આપવા ઈચ્છતી અને સ્વતંત્ર જિંદગી જીવવાના અભરખા રાખતી વિસનગરની બે સગીરાઓ ઘેરથી કોઈને કયા વિના નીકળી પડી હતી. એસઓજીની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટીમે આ બંને કિશોરીઓને દિલ્હીના મેટ્રો સ્ટેશનથી પકડી પાડીને પરિવારને સોંપી હતી.
પ્રેમ પ્રકરણને લઈ મોટાભાગની સગીરાઓ ગુમ થતી હોય છે : ભાવેશ રાઠોડ પીઆઈ એસઓજી
એસઓજીના પી.આઈ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું કે મોટાભાગની સગીરાઓ પ્રેમ પ્રકરણને લઈ જતી રહીને ગુમ થતી હોય છે આવી સગીરાઓને એસઓજી ના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પરત લાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.