મહેસાણા જિલ્લામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણના અધિકાર કાયદા (RTE) હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં કુલ 1529 બાળકોને ઓનલાઇન પ્રવેશ ફાળવ્યા બાદ 1391 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે.
જ્યારે 129 બાળકોને પ્રવેશ ફાળવાયો હોવા છતાં મોટાભાગનાએ પ્રથમ, બીજા ક્રમે પસંદ કરેલી શાળાના બદલે છેલ્લી પસંદ કરેલી શાળામાં પ્રવેશ ફાળવાતાં પ્રવેશ લેવાનું ટાળી પ્રવેશ જતો કર્યો હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે 9 બાળકોના વાલીઓએ ફાળવેલી શાળામાં જઇ પ્રવેશ રદ કરાવ્યો હતો. હવે ખાલી રહેતી બેઠકો માટે બીજા તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
આરટીઇ પ્રવેશના ઓનલાઇન ફોર્મ ભરતી વખતે 6 કિલોમીટરના વિસ્તારમાં આવતી 5 થી 10 શાળાઓની પસંદગી બાળકોના વાલી કરતા હોય છે. જે પૈકી પ્રવેશના નિયમ મુજબ ધો.1માં પ્રવેશ માટે જે-તે શાળા બાળકને પ્રવેશ માટે ફાળવાઇ છે. જેમાં 5 મે સુધીની મુદતમાં 1391 બાળકોએ ફાળવેલી શાળામાં ધોરણ 1માં મફત શિક્ષણમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે 129 બાળકો એવા છે કે તેમને પ્રવેશ ફાળવાયો હોવા છતાં પ્રવેશ મેળવ્યો નથી.
આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના ટેલીફોનિક સંપર્ક કરાયા હતા અને સમય મર્યાદામાં પ્રવેશ મેળવવા જણાવાયું હતું. જોકે, આ પૈકી મોટાભાગના બાળકોએ ગમતી શાળા ન મળતાં પ્રવેશ જતો કર્યો છે. જ્યારે કેટલાક બાળકો એવા પણ છે કે ગત વર્ષે સરકારી પ્રાથમિક શાળાના ધો.1માં પ્રવેશ મેળવી લીધો છે અને આરટીઇ પ્રવેશમાં શાળા ફાળવાતાં ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં પ્રવેશ થયાનું ધ્યાને આવતાં ખાનગી શાળામાં પ્રવેશ થઇ શક્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.