અટલ સ્ટ્રીટલાઇટ યોજના:459 ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટલાઇટ બિલ પાછળ 20 મહિનામાં 1.21 કરોડ ખર્ચ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની અટલ સ્ટ્રીટલાઇટ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓને લાભ
  • 43.64 લાખનું સ્ટ્રીટલાઇટનું બિલ અને લાઇટ મેન્ટેનન્સ પાછળ ~ 78 લાખ ખર્ચાયા

મહેસાણા શહેરમાં નગરપાલિકાની અટલ સ્ટ્રીટલાઇટ યોજના લાગુ થયાના 20 મહિનામાં ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટલાઇટ વીજ બિલ અને લાઇટ મેન્ટેનન્સ પાછળ કુલ રૂ.1.21 કરોડ ખર્ચાયા છે. સ્ટ્રીટલાઇટનું મીટર નગરપાલિકાના નામે કરનાર સોસાયટીઓને સ્ટ્રીટ લાઇટના વીજબિલમાંથી મુક્તિ મળી છે. અત્યાર સુધી 459 સોસાયટીમાં કુલ 7200 લાઇટ (ફીક્સર), ટાઇમર, કેબલ સર્વિસ અને મરામત નગરપાલિકારાહે કરાઇ રહી છે.

શહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સપ્ટેમ્બર 2020માં પાલિકાની અટલ સ્ટ્રીટલાઇટ યોજના લોન્ચ કરાઇ હતી. જેમાં ખાનગી સોસાયટીઓ વીજ મીટર જીઇબીમાં પાલિકાના નામે કરતાં જાન્યુઆરી 2021થી આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીના 20 મહિનામાં 459 સોસાયટીઓમાં સ્ટ્રીટલાઇટનું બિલ કુલ રૂ. 43.64 લાખ આવ્યું છે. જ્યારે ટાઇમર, લાઇટ મેન્ટેનન્સ, બંધ લાઇટ બદલી નવી નાંખવી સહિતની સર્વિસ પાછળ કુલ રૂ.78 લાખ ખર્ચ થયો છે. હાલ 375 સોસાયટીઓના સ્ટ્રીટલાઇટ બિલ સીધા પાલિકામાં આવે છે.

દર મહિને એવરેજ 2 લાખ સ્ટ્રીટલાઇટબિલ આવે છે
નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન એમ. પટેલે કહ્યું કે, યોજનામાં જોડાયેલી સોસાયટીઓને સ્ટ્રીટ લાઇટના વીજ બિલમાંથી પાલિકાએ મુક્તિ અપાવી છે. આ સાથે સોસાયટીની કોઇ સ્ટ્રીટલાઇટ બંધ હોય તો ફરિયાદના 24 કલાકમાં નિરાકરણ માટે ટીમ કાર્યરત છે. જેમાં પાલિકાના વોટ્સઅપ કે ફોન પર મળતી ફરિયાદોમાં લાઇટ મરામત કે બંધ લાઇટ ચાલુ કરવાની સર્વિસ પાલિકા રાહે કરાય છે. આ તમામ સોસાયટીઓની સ્ટ્રીટલાઇટ પાછળ એવરેજ દર મહિને રૂ.2 લાખ લાઇટબિલ અને રૂ.4 લાખ મેન્ટેનન્સ ખર્ચ આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...