મંજૂરી:મહેસાણામાં ડમ્પિગ સાઇટ પરથી ઘન કચરાના નિકાલ માટે 11.28 કરોડ મંજૂર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષમાં સાઇટ પર 2,23,450 મેટ્રીક ટન ઘનકચરો એકઠો થયો

છેલ્લા 15 વર્ષમાં મહેસાણાના શોભાસણ રોડ ડમ્પિગ સાઇટ પર એકઠા થયેલા 2.23 લાખ મેટ્રીક ટન ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સ્વચ્છ ભારત મિશન-2માં સરકારે રૂ.11.28 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આ પહેલાં 15મા નાણાં પંચમાં રૂ. એક કરોડ ગ્રાન્ટમાંથી કચરાના નિકાલ માટે પાલિકાએ ટેન્ડર કરી દીધું હોઇ હવે કારોબારીમાં નિર્ણય કરી કચરાનો નિકાલ શરૂ કરાશે. એક કરોડની ગ્રાન્ટમાંથી 25 હજાર ટન ઘન કચરાનો નિકાલ થઇ શકશે.

વર્ષ 2011 મુજબ મહેસાણામાં 1,84,991 વસ્તીને ધ્યાને લઇ 2.23 લાખ મેટ્રીક ટન ઘન કચરાના નિકાલ માટે નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશનમાં દરખાસ્ત કરી હતી. જેમાં પાલિકાના 45 ટકા, કેન્દ્ર સરકારના 33 ટકા અને રાજ્ય સરકારના 22 ટકા ખર્ચ કરવાનો રહેશે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, સરકારે પ્રતિ ટન ઘનકચરાના નિકાલ માટે રૂ. 505 નક્કી કરી બજેટ ફાળવ્યું છે. હવે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં તાંત્રિક અને વહીવટી મંજૂરી બાદ આગળની કામગીરી શરૂ કરાશે.

નગરપાલિકાને પ્રથમ હપ્તામાં ~2.48 કરોડ ફાળવાયા
મંજૂર પ્રોજેક્ટમાં પ્રથમ હપ્તામાં રૂ.2.48 કરોડ રિલીઝ કરાયા છે. જોકે, આ પહેલાં 15મા નાણાંપંચમાં એક કરોડના ખર્ચે ઘનકચરા નિકાલ માટેનું ટેન્ડર આગામી કારોબારી બેઠકમાં આવશે અને મંજૂર થયે ઘનકચરા નિકાલની કામગીરી શરૂ થઇ જશે. આ દરમિયાન સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ હેઠળની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ 2.23 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવાની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...