કડક કાર્યવાહી:5 લાખ વેરો બાકી હોઇ નાગલપુરમાં સ્વાગત પ્લાઝાના બીજા માળની 11 દુકાનો સીલ કરાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાએ એક લાખથી વધુ બાકીના 80 મિલ્કતદારોની યાદી તૈયાર કરી
  • સહારાબ્રિજ હોટલે રૂ.40 લાખ પૈકી સ્થળ પર 7.50 લાખ વેરો ભરતાં સિલિંગ કરવાનું ટાળ્યું

મહેસાણા નગરપાલિકાએ દિવાળી પહેલાં મિલ્કતવેરામાં એક-એક લાખથી વધુની રકમ બાકી હોય 70 થી 80 મિલ્કતદારોની યાદી તૈયાર કરી સ્થળ પર વસૂલાત હાથ ધરી છે. સોમવારે નાગલપુર પાટિયા પાસે સ્વાગત પ્લાઝાના બીજા માળે આવેલી તમામ 11 દુકાનોનો વેરો રૂ. 5 લાખ વેરો બાકી હોઇ સીલ મારી દેવાયું હતું. ઉલ્લેખનિય છે કે, હજુ 25 કરોડ જેટલો વેરો બાકી હોઇ નગરપાલિકાએ વસૂલવા કવાયત હાથ ધરી છે.

નગરપાલિકાના ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતની ટીમ દ્વારા સોમવાર બપોરે 3 વાગ્યા પછી બાકી વેરા વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નાગલપુર પાટિયા પાસે સ્વાગત બંગ્લોઝ ની બાજુમાં આવેલા સ્વાગત પ્લાઝાના બીજા માળે માલિક કનુભાઇ પ્રભુદાસ પટેલ અને ભોગવટેદાર સંદિપભાઇ કિશોરભાઇ બારોટના નામે 11 દુકાનોનો કુલ રૂ. 5 લાખ વેરો છેલ્લા 10-12 વર્ષથી બાકી હોઇ આ તમામ 11 દુકાનો સીલ કરી દેવાઇ હતી અને સીલ કર્યાની નોટિસમાં બાકી વેરો ભર્યા અંગેની માન્ય પાવતી પાલિકામાં રજૂ કરી, પ્રોસેસ ફી ભર્યા સિવાય તેમજ પાલિકાના અધિકૃત અધિકારીની મંજૂરી સિવાય કોઇએ સીલ ખોલવું કે ખોલાવવું નહીં. જો તેમ કરાશે તો ફોજદારીરાહે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.

જ્યારે એપોલો એન્કલેવમાં સહારાબ્રિજ હોટલનો છેલ્લા 7 વર્ષનો અંદાજે રૂ. 40 લાખ વેરો બાકી હોઇ પાલિકાની ટીમ હોટલે પહોંચી હતી. જેને પગલે સ્થળ પર રૂ.7.50 લાખનો ચેક હોટલ સંચાલકે પાલિકા ટીમને જમા કરાવ્યો હતો. હજુ 32.50 લાખ બાકી રહે છે. જોકે, રૂ.7.50 લાખની વસૂલાત થતાં હોટલને સીલ કરાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...