ગુજરાત વિધાનસભાનો જંગ:જિલ્લામાં 103 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, 2017 કરતાં 3જ વધ્યાં, વર્ષ 2022ની ચૂંટણીમાં 103 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો કચેરીમાં ધસારો - Divya Bhaskar
છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો કચેરીમાં ધસારો
  • વર્ષ 2017 ની સરખામણીએ વર્ષ 2022માં ફોર્મ ભરવામાં કડી, વિસનગર, ખેરાલુ, બહુચરાજીમાં ઉમેદવારો વધ્યા,મહેસાણા, વિજાપુર, ઊંઝામાં ઘટાડો
  • મહેસાણા વિધાનસભાની સાત બેઠકમાં વર્ષ 2017ની ચૂંટણીમાં 100 ઉમેદવારોએ ફોર્મ ભરેલા

વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો વધ્યો છે. મહેસાણા જિલ્લાની સાત બેઠકમાં વર્ષ 2017ની ચૂંટણી વખતે કુલ 100 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેની સરખામણીએ વર્ષ 2022ની ચૂંટણીમાં કુલ 103 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી કચેરીએ નોધાયા છે. એટલે કે ગત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી ફોર્મમાં ત્રણ ઉમેદવારોનો વધારો આવ્યો છે. જોકે વર્ષ 2017ની ચૂંટણી કરતાં વર્ષ 2022ની ચૂંટણીમાં વિસનગર, કડી, ખેરાલુ અને બહુચરાજી મળીને ચાર બેઠકમાં ઉમેદવારી ફોર્મનો વધારો થયો છે.

જ્યારે મહેસાણા, વિજાપુર અને ઊંઝા મળીને ત્રણ બેઠકમાં ફોર્મ ભરવામાં ઉમેદવારોનો ઘટાડો આવ્યો છે. નોંધનિય છે કે, જિલ્લામાં કેટલાંક ઉમેદવારે એક કરતાં વધુ ફોર્મ ભર્યા હોઇ કુલ 149 ફોર્મ નોંધાયા છે. જોકે ગુરુવારે ફોર્મ સ્વીકારવાની અંતિમ અવધિ બાદ હવે તારીખ 18 શુક્રવારે ફોર્મ ચકાસણી કરાશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારો માટે તા.21 નવેમ્બર બપોરે 3 વાઞ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેચવાની અવધિ રહેશે પછી ચૂંટણી મેદાનમાં હરીફ ઉમેદવારો આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરવામાં મહેસાણા બેઠકમાં વર્ષ 2017માં સૌથી વધુ 34 ઉમેદવારોએ ચૂંટણી કચેરીએ ફોર્મ ભર્યા હતા, તેની સરખામણીએ વર્ષ 2022ની ચૂંટણીમાં 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, એટલે મહેસાણા બેઠકમાં 14 ઉમેદવારનો ફોર્મ ભરવામાં ઘટાડો થયો છે.

જ્યારે વિસનગર અને કડીની બેઠકમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2022ની ચૂંટણીમાં ફોર્મ ભરવામાં ઉમેદવારોની સંખ્યામાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. વિસનગરમાં ગત ટર્મમાં 9, જ્યારે આ ચૂંટણીમાં 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો કડી બેઠકમાં ગત ટર્મમાં 8 ઉમેદવારે ફોર્મ ભરેલા, જ્યારે આ વખતની ચૂ઼ટણીમાં આંકડો બમણો 16 ઉમેદવારોએ ફોર્મ ચૂંટણી કચેરીએ નોંધાવ્યા છે. આ બંને બેઠકમાં ગત વખત કરતાં આ ચૂંટણીમાં ફોર્મ ભરવામાં 8-8 ઉમેદવારોનો વઘારો થયો છે.

વર્ષ 2017 અને વર્ષ 2022ની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા

વિધાનસભાવર્ષ 2017વર્ષ 2022વધ-ઘટ
ખેરાલુ9134
ઊઝા1211-1
વિસનગર9178
બહુચરાજી14151
કડી8168
મહેસાણા3420-14
વિજાપુર1411-3
કુલ1001033

જિલ્લામાં બેઠકવાઇઝ ઉમેદવાર અને રજુ થયેલા ફોર્મ

વિધાનસભાઉમેદવારરજુ થયેલા ફોર્મ
ખેરાલુ1317
ઊંઝા1119
વિસનગર1724
બહુચરાજી1519
કડી1626
મહેસાણા2028
વિજાપુર1116
કુલ103149

છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો કચેરીમાં ધસારો
ગુરુવારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂ઼ટણી લડવા ઉત્સુક ઉમેદવારો સાથે સમર્થકોનો ઘસારો રહેતાં 100 મીટરના અંતરમાં ત્રણથી વધુ વાહનને પ્રવેશબંધીના નિયમનો ભંગ જોવા મળ્યો હતો.ચૂંટણી કચેરીથી 100 મીટરના અંતરમાં કરાયેલ સફેદ પટ્ટાની અંદર ઘણા સમર્થકોના વાહનો આવી ગયા હતા. સંકુલમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત કાર્યરત જોવા મળ્યો હતો.

ભાજપ, કોંગ્રેસ, આપના 21, અન્ય પક્ષ-અપક્ષ, ડમીમાં 82
મહેસાણા જિલ્લાની સાત બેઠકમાં કુલ 103 ઉમેદવારોના ફોર્મ નોંધાયા છે. જે પૈકી સાતેય બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક-એક ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોઇ આ સાત બેઠકમાં આ ત્રણ પાર્ટીના કુલ 21 ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉપરાંત અન્ય પક્ષો, અપક્ષ અને ડમી મળીને કુલ 82 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી કચેરીએ નોંધાયા છે.

સમય સમય બળવાન નહીં મનુષ્ય મહાન : નીતિનભાઈ
મહેસાણા ભાજપના ઉમેદવારના ફોર્મ ભરતા પૂર્વે ગુરૂવારના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં રાજકીયની સાથે આધ્યાત્મિક પણ વાતો કરી હતી. ગુરૂવારે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલનું ફોર્મ ભરવાનું હોય તે પૂર્વે યોજાયેલી સભાને સંબોધતા નીતિનભાઈ પટેલે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ મુકેશ પટેલને આપ્યો છેનું જણાવી સમય સમયનું કામ કરે છે ત્યારે સમયની કિંમત છે અને સમય બલવાન છે નહીં મનુષ્ય બલવાન. પટલાઈ કરતા નહીં પરંતુ લોકોના કામ કરતા નેતાઓની જરૂર છે. તમારા આશીર્વાદથી મહેસાણામાં ખૂબ કામ કર્યું છે.

જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોમાં 50 ટકા પાટીદાર : પટેલ 11 ઉમેદવાર, ઠાકોર - એસ.સી 3-3, ચૌધરી 2, ક્ષત્રિય-રબારી 1-1
જિલ્લાની સાત બેઠકમાં આ ત્રણ રાજકીય પાર્ટીના ઉમેદવારોમાં જ્ઞાતિવાર ઉમેદવારો પર નજર કરીએ તો સૌથી વધુ 11 પટેલ ઉમેદવાર છે, એમાંયે મહેસાણા, વિસનગર અને ઊંઝા બેઠકમાં ત્રણેય પાર્ટીએ પટેલ ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા હોઇઆ ત્રણ બેઠકમાં 9 પટેલ છે. આ ઉપરાંત વિજાપુર બેઠકમાં ભાજપ અને આપના ઉમેદવાર પટેલ છે. જિલ્લામાં બહુચરાજીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર તેમજ ખેરાલુમાં આપના ઉમેદવાર ઠાકોર છે. કડી અનુસૂચિત જાતિ (એસ.સી)ની બેઠક હોઇ ત્રણેય પાર્ટીએ એસ.સી ઉમેદવાર ભાજપે સોલંકી, કોંગ્રેસે પરમાર અને આપમાંથી ડાભીએ ઉમેદવારી કરી છે. ખેરાલુ બેઠકમાં ભાજપમાંથી ચૌધરી, કોંગ્રેસમાંથી ચૌધરી(દેસાઇ) ચૂંટણી જંગમાં છે. વિજાપુર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ચાવડા (ક્ષત્રિય) સમાજમાંથી આવે છે, જ્યારે બહુચરાજી બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રબારી સમાજના છે. જિલ્લામાં ઉમેદવારોના જ્ઞાતિવાઇઝ સમીકરણમાં સૌથી વધુ 11 પટેલ, 3 ઠાકોર, 3 અનુસૂચિત જાતિ, 2 ચૌધરી, 1 રબારી,1 રબારીનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં કુલ 423 ફોર્મ ભરાયાં
​​​​​​​વિધાનસભા ચૂંટણી - 2022 માં ફોર્મ ભરવાના છેલ્લા દિવસ એટલે કે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કુલ 423 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 193, પાટણ જિલ્લામાં 83 અને સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લામાં ભેગા થઇ 147 ફોર્મ ભરાયા હતા. સાબરકાંઠામાં 75 અને અરવલ્લીમાં 72 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...