બાબુઓ બેખબર:11 પૈકી 10 મામલતદાર કિસાન નિધિની ફરિયાદ નિવારણ સમિતિના સભ્ય સચિવ પદથી અજાણ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા મામલતદારોને જવાબદારી સોંપાઈ હતી
  • પોણા ત્રણ વર્ષથી ચાલતી યોજનામાં 4493 કરોડનું ચૂકવણુ થયું છતાં જિલ્લામાં અેક પણ તાલુકામાં ફરિયાદ હજુય નિવારણ સમિતિની બેઠક પણ મળી નથી

મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં છેલ્લા પોણા ત્રણ વર્ષમાં 9 હપ્તામાં રૂ.4493 કરોડની સહાય ચૂકવાઇ છે. તેમ છતાં ખેડૂતોની યોજનાને લગતી ફરિયાદોનું નિવારણ માટે જિલ્લાના અેક પણ તાલુકામાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી નથી. અા અંગે જિલ્લાના 11 મામલતદારોને સંપર્ક કરતાં તમામે ફરિયાદ નિવારણ સમિતિની બેઠક ન મળી હોવાનું સ્વિકાર્યું હતું. નવાઇની વાત તો અે છે કે માત્ર વડનગર મામલતદારને જ ખ્યાલ છે કે તેઅો સમિતિના સભ્ય સચિવ છે.

અા યોજના અંતર્ગત જિલ્લામાં પોણા ત્રણ વર્ષમાં રૂ.2 હજારના કુલ 9 હપ્તા ખેડૂતોને ચૂકવવામાં અાવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ રૂ.4493 કરોડની સહાય ચૂકવી દેવાઇ છે. તેમ છતાં તાલુકા કક્ષાથી માંડી જિલ્લા કક્ષા સુધી અેક પણ વખત ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી નથી.

તાલુકા કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિના સભ્ય સચિવ તરીકે મામલતદારોને જવાબદારી સોંપાઇ હોવાથી દિવ્ય ભાસ્કરે શહેર તેમજ રૂરલ મામલતદાર સહિત 10 તાલુકા મામલતદારોને તેમના વિસ્તારોમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી કે કેમ તેમ પુછ્યું હતું. નવાઇની વાત તો અે છે કે, 11 પૈકી 10 મામલતદારોને ખ્યાલ જ નહોતો કે તેઅો ફરિયાદ નિવારણ સમિતિના સભ્ય સચિવ છે. તેમજ અા યોજનાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિભાગનું જાણાવ્યું હતું. અા સાથે તમામ મામલતદારોઅે ફરિયાદ નિવારણ સમિતિની અેક પણ બેઠક ન મળી હોવાનું સ્વિકાર્યું હતું.

શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અમલવારી કરવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ગત તા.11 ફેબ્રુઅારી 2019 ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં તાલુકા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી અા યોજનાની જવાબદારી કોણ કેવી રીતે સંભાળશે તેની રૂપરેખા નક્કી કરી હતી. યોજના શરૂ થયે તેમાં અાવતી ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાઅે પ્રાંતને અધ્યક્ષ, મામલતદારને સભ્ય સચિવ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને સભ્ય બનાવ્યા હતા. અા યોજનામાં 2 હેક્ટરથી અોછી જમીન ધરાવતાં ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તે રૂ.6 હજારની સહાય ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...