અકસ્માત:આખજ-સાંગણપુર રોડ પર કાર બાઈક અને જીપડાલા સાથે અથડાતાં 1નું મોત, 7ને ઈજા

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાડવીથી મહેસાણા મિસ્ત્રીકામે જતાં બે યુવાનોને કાર ચાલકે ફંગોળ્યા
  • અકસ્માત કરનાર કારમાં સવાર 4 જણાને પણ ઇજાઓ પહોંચી

આખજથી મહેસાણા તરફ જતા રોડ પર સાંગણપુર નજીક કાર બાઈક અને જીપડાલાને અથડાતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 7 લોકોને ઈજા થઇ હતી. મહેસાણા તાલુકાના હાડવી ગામના દંતાણી મનહરભાઈ રાજેશભાઈ અને દંતાણી જીગરભાઈ હરમદભાઈ મિસ્ત્રીકામ માટે શનિવારે બાઈક લઇને મહેસાણા તરફ જતા હતા.

આખજથી આગળ સાંગણપુર નજીક રઈબા ફાર્મ પાસેના વળાંકમાં સાંગણપુર તરફથી પૂરઝડપે આવતી આઇ 20 કાર (GJ 02 BP 7759)ના ચાલકે બાઈક ટક્કર મારતાં તેનો ભૂક્કો બોલી ગયો હતો તેમજ બાઈકની પાછળ આવી રહેલા જીપડાલા સાથે અથડાઇને રોડની સાઈડમાં ખાડામાં જઈને પડી હતી.

આ અકસ્માતમાં કારની અડફેટે આવેલા બંને બાઈકચાલકો, ડાલાના ડ્રાઈવર રાવળ સુરેશભાઈ જેસંગભાઈ, દંતાણી રોહિતભાઈ રમેશભાઈ, દંતાણી માણેકભાઈ ચંપાભાઈ અને કારચાલક ઠાકોર મહેન્દ્રજી મંગાજી, કારમાં સવાર ઠાકોર બળવંતજી ગોવિંદજી, ઠાકોર ભાવેશજી મંગાજીને ગંભીર તેમજ અન્યને નાની-મોટી ઈજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા.

જેમાં કારમાં સવાર સાંગણપુરના ઠાકોર ભાવેશજી મંગાજીનું મોત થયું હતું. આ ઘટના અંગે લાંઘણજ પોલીસે દંતાણી મનહરભાઈ રાજેશભાઈની ફરિયાદ આધારે સાંગણપુરના કારચાલક ઠાકોર મહેન્દ્રજી મંગાજી સામે ફરિયાદ નોંધી હે.કો. ચિંતનભાઈએ તપાસ હાથ ધરી છે. અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...