નિર્ણય:ખેરાલુ-સતલાસણાના ખેડૂતોની સિંચાઇના પાણી માટે આજની ગાંધીનગર રેલી મોકૂફ

ખેરાલુ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ આજે મુખ્યમંત્રી સાથે બેઠક નક્કી કરતાં ખેડૂતોએ નિર્ણય બદલ્યો

સિંચાઇના પાણીની માંગણી સાથે સોમવારે ગાંધીનગર કૂચ કરનારી ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતોની રેલી હાલ પૂરતી મોકૂફ રખાઇ છે. ખેરાલુના સર્કિટ હાઉસમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ભાજપના જિલ્લા પ્રભારી સહિતની હાજરીમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યએ અત્યાર સુધી સરકારે સિંચાઇના પાણી મુદ્દે બનાવેલી યોજનાઓ રજૂ કરી ખેડૂતોને રેલી નહીં યોજવા સમજાવ્યા હતા અને સોમવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી આપવાનું કહ્યું હતું.

આથી રવિવારે માધુપુરા ગામે 40 ગામના ખેડૂત અગ્રણીઓની બેઠક બોલાવી સોમવારે બપોર બાદ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને સાથે રાખી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતાં રેલી હાલ પૂરતી મોકૂફીની જાહેરાત કરાઇ હતી.

અમારી 3 માગણી નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રહેશે
પાઇપ લાઇન દ્વારા બંને તાલુકાના તળાવો ભરવા, વરસંગ અને ચિમનાબાઇ સરોવર ભરવું તેમજ બંને તાલુકાનો ધરોઇ નહેરના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવો આ 3 અમારી મુખ્ય માંગણી છે. સોમવારે મુખ્યમંત્રી અમારી માગણીઓ સ્વીકારશે તો આંદોલન પડતું મુકીશું અને જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો અમે મોકૂફ રાખેલી રેલી ફરી યોજીશું. > વી. ડી. મેવાડા, ખેડૂત અગ્રણી સતલાસણા

અન્ય સમાચારો પણ છે...