સતલાસણા તાલુકાના હિંમતપુરાથી ભાલુસણાને જોડતો અને રૂ.૧.૪૩ કરોડના ખર્ચે થોડાક માસ અગાઉ નિર્માણ કરાયેલો ૩.૮ કિ.મીનો ડામર માર્ગ પ્રથમ ચોમાસામાં જ ઠેરઠેર ગાબડાં પડીને ધોવાઇ જતાં રોડના નિર્માણમાં થયેલી ખાયકી ઉઘાડી પડી જવા પામી છે.
સતલાસણા તાલુકાના હિંમતપુરાથી ભાલુસણાને જોડતો માર્ગ ઘણા સમયથી ખાડા-ખૈયા વાળો હોવાથી ગ્રામજનો છેલ્લા ત્રણ ચાર વર્ષથી માર્ગ નવો બનાવવા માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગત જાન્યુઆરી ૨૦૨૧માં કામ શરૂ કરાયું હતુ અને ગત ઓક્ટોબર ૨૦૨૧માં રૂપિયા ૧.૪૩ કરોડના ખર્ચે ૩.૮ કિ.મીની લંબાઇનો આ ડામર માર્ગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જોકે માર્ગ બન્યાને ૧૦ મહિના જેટલો સમય થયો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ માર્ગ બંને સાઇડેથી ધોવાઇ જવાથી ગાબડાં પડવા લાગતાં માર્ગ નિર્માણમાં થયેલી ખાયકીને લઇને અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. આ બાબતે અમે સ્થળ તપાસ કરી તો જાણવા મળ્યું કે માર્ગના નિર્માણ પછી કોન્ટ્રાક્ટરે બંને સાઇડે માટીકામ નહીં કર્યું હોવાથી અને માર્ગ નિર્માણ વખતે ચોમાસું પાણીના નિકાલની ખાસ કોઇ વ્યવસ્થા નહીં કરી હોવાથી માર્ગ તૂટવા લાગ્યો છે. દરમિયાન ગ્રામજનોએ માર્ગનું સમારકામ કરવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.