દૂધ ચોરી:દૂધ સાગર ડેરીના ટેન્કરમાંથી ચાલક દૂધની ચોરી કરતો રંગેહાથે ઝડપાયો

ખેરાલુ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપરવાઇઝરે મધરાતે ટેન્કર ચાલકને વઘવાડીથી ઉણાદ વચ્ચેથી ઝડપ્યો
  • દૂધની​​​​​​​ ચોરીનો વીડિયો બનાવી વાયરલ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી

ખેરાલુ તાલુકાના વઘવાડીથી ગુરુવારે મધરાતે ઉણાદ તરફ જઇ રહેલા દૂધ સાગર ડેરીના ટેન્કરમાંથી ટેન્કરનો ચાલક દૂધની ચોરી કરી રહ્યો હતો ત્યારે ડેરીના સુપરવાઝરોએ ચાલકને રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે ડેરી દ્વારા ચાલક વિરૂધ્‍ધ શું પગલાં ભરાયાં તેની માહિતી મળી શકી નથી. પરંતુ ઉણાદના એક પશુપાલકે મધરાતે પકડાયેલી દૂધની ચોરીનો વીડિયો બનાવી વાયરલ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. દૂધ સાગર ડેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મોટાભાગની દૂધ ડેરીઓમાં બલ્ક કૂલર લગાવ્યા હોવાથી ડેરીમાં એકત્ર થતો દૂધનો જથ્થો સાગર ડેરી સુધી પહોંચાડવા માટે ટેન્કરોમાં મુકવામાં આવ્યાં છે.

જેમાં રૂટ નંબર 626 ઉપર દોડાવાતા જીજે 02 ઝેડઝેડ 6164 નંબરનો ટેન્કર ચાલક ગુરુવારે મધરાતે નિર્ધારીત રૂટ મુજબ હોટલપુરથી દૂધ ભરી વઘવાડી આવ્યો હતો અને ડેરીમાંથી દૂધ ભરી આસ્પા ગયો હતો અને ત્યાંથી પરત વાયા વઘવાડી થઇ ઉણાદ જવા નિકળ્યો હતો અને ઉણાદ નજીક પહોંચી ટેન્કર ઉભુ રાખી તેમાંથી દૂધની ચોરી કરી રહ્યો હતો. ત્યારે ખેરાલુ તાલુકાના મલારપુરામાં રહેતા જશુભાઇ ચૌધરી અને ગુંજામાં રહેતા રાકેશભાઇ ચૌધરી દૂધ સાગર ડેરીના બે સુપરવાઇઝરો સ્ટાફ સાથે આવી ટેન્કર ચાલકને દૂધની ચોરી કરતાં રંગેહાથ ઝડપી લીધો હતો.

જોકે સુપરવાઇઝરોએ પકડેલી દૂધ ચોરીને ઉણાદના લાલભાઇ હરીભાઇ ચૌધરીએ પોતાના મોબાઇલમાં વીડિયો બનાવી વાયરલ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. તો બીજી તરફ વીડિયો વાયરલ થતાં પશુપાલકોમાં દૂધની ચોરીને લઇને ભારે રોષ પ્રસરી રહ્યો છે. જોકે દૂધ સાગર ડેરી દ્વારા ચાલક વિરૂદ્ધ શું પગલાં ભરાયાં તેની માહિતી મળી શકી નથી.

દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ કહ્યું હતું કે ડેરીઓમાંથી દૂધ એકત્રીકરણ માટે કુલ 137 રૂટ બનાવેલા છે. અમે પ્રત્યેક રૂટ ઉપર 1 વ્યક્તિને સેમ્પલ લેવા મુક્યા હતા. હાલના નિયામક મંડળે અમે મુકેલા તમામ વ્યક્તિઓ છૂટા કરી દીધા છે અને હવે જે ડેરીમાંથી ટેન્કરમાં દૂધ ભરાય છે તેનું સેમ્પલ લેવાની કામગીરી ટેન્કર ચાલકોને સોંપી છે. જેથી સ્વાભાવિક છે કે ચોરને ચોકી સોંપીએ તો આવુ જ થાય.

અન્ય સમાચારો પણ છે...