કાર્યવાહી:મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે આપેલા 4 કલાકના બંધને જિલ્લામાં નહીંવત અસર

ખેરાલુ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુમાં જડબેસલાક બંધ, વિજાપુરમાં મિશ્ર પ્રતિસાદ, વડનગરમાં 8 કાર્યકરોની અટકાયત
  • મહેસાણામાં આગેવાનોની અપીલથી બંધ થયેલી દુકાનો થોડીવારમાં ખુલી ગઈ

જીવન જરૂરિયાતની રોજિંદી ઘઉં, દૂધ, દહીં, તેલ અને ગોળ જેવી ચીજવસ્તુઓમાં કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા જીએસટી તેમજ પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે શનિવારે સવારે 8 થી 12 બંધનું એલાન આપ્યું હતું. જેની મહેસાણા જિલ્લામાં નહીંવત અસર જોવા મળી હતી. મહેસાણા શહેરમાં સવારે કોંગ્રેસના અગ્રણીઓ દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા અને વેપારીઓને વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરતાં વેપારીઓએ થોડાક સમય પૂરતી દુકાનો બંધ રાખી હતી. પરંતુ તેમના જતાંની સાથે જ દુકાનો ખુલી ગઈ હતી.

વડનગર શહેરમાં સવારથી દુકાનો ચાલુ રહી હતી. સવારે દુકાનો બંધ કરાવવા નીકળેલા 8 કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બપોર બાદ તમામને છોડી મુક્યા હતા. કોંગ્રેસે મોંઘવારી સહિતના મુદ્દે આપેલા બંધના એલાનમાં ખેરાલુના વેપારીઓએ સ્વેચ્છાએ 4 કલાક જડબેસલાક બંધ પાળ્યો હતો. ભાજપે વેપારીઓ બંધમાં ના જોડાય તે માટે સોશિયલ મીડિયામાં બંધનું એલાન રાજકીય હોવાનું જણાવી બજારો ચાલુ રાખવા અપીલ કરી હતી. પરંતુ તેની કોઇ અસર પડી ન હતી.

જ્યારે વિજાપુર શહેરની મધ્યમાં આવેલા ચક્કર વિસ્તારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું હતું. ખત્રીકૂવામાં કેટલીક દુકાનો બંધ રહી હતી. ખુલ્લી દુકાનો કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને સમજાવતા બંધ કરાઈ હતી. જેમાં ટીબી તેમજ મહેસાણા હાઇવે સરદાર પટેલ બાવલા પાસે નવા શાક માર્કેટ તરફનો વિસ્તાર બંધ રહ્યો હતો. બંધને લઇ કોંગ્રેસી કાર્યકરો સવારે 7 વાગ્યાથી રોડ ઉપર ફરતા થયા હતા. એકંદરે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બપોરે 12 વાગ્યા બાદ કેટલીક દુકાનો ખુલી હતી, તો કેટલાક વેપારીઓએ આખો દિવસ બંધ જ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...