વિરોધ:તારણ-ધારણ પાસે ફરી માઇન્સ શરૂ થતાં 5 ગામોના લોકોનો વિરોધ

ખેરાલુ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લાસ્ટીંગ બંધ નહીં કરાય તો તારણ-ધારણ સ્થળની પણ ઉત્તરાખંડ રાજ્યના જોષીમઠ જેવી દર્દુશા થશે : રહીશો
  • સતલાસણા તાલુકાના ટીંબા, ભીમપુર, શાહુપુરા, આંકલીયારા અને ઇશાકપુરા ગામોના લોકોનો લડી લેવા બેઠકમાં એકસૂર

તારંગા તીર્થધામ અને પ્રવાસન વિભાગ હસ્તક લેવાયેલા તારણ-ધારણ જેવા બૌદ્ધોના ધર્મસ્થાનની નજીકમાં શરૂ કરાયેલી સ્ટોન ક્વોરીથી તીર્થધામોને નુકસાન થતું હોવાથી ડભોડાના સરપંચે અરજી કરી આ માઇન્સ બંધ કરાવી હતી. જે હવે ફરી ચાલુ કરાતાં આસપાસના ટીંબા, ભીમપુર, શાહુપુરા, આંકલીયારા અને ઇશાકપુરા વગેરે ગામોના લોકોએ ગુરૂવારે બેઠક યોજી કલેક્ટર સહિતને અરજી કરી માઇન્સ બંધ કરાવવા માંગણી કરી છે.

તારંગા તીર્થધામના પહાડી વિસ્તારમાં બૌદ્ધ ધર્મના આરાધ્ય દેવી તારણ-ધારણ માતાના મંદિર નજીકના સર્વે નંબર 1234માં ગાયત્રી સ્ટોન ક્વોરી ચાલુ કરાઇ છે. ફક્ત ક્વોરી નહીં પણ સાથે બ્લાસ્ટીંગ કરતી માઇન્સનો પણ પરવાનો અપાયો હોઇ ગમે ત્યારે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. જ્યારે બ્લાસ્ટ કરાય ત્યારે આસપાસની 3 થી 4 કિમીની ત્રિજ્યામાં ભૂકંપના આંચકા જેવો અનુભવ થાય છે. આ વાયબ્રેશનથી 250 મીટરના અંતરે આવેલા તારણ-ધારણ માતાના મંદિરથી માંડી આસપાસની પહાડી હચમચી ઉઠે છે. આટલું જ નહીં અહીંથી ઉડતી ડસ્ટ આસપાસના ખેતરમાં ફેલાતી હોઇ પાકને પણ વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. ડભોડાના સરપંચ ભુપતજી ઠાકોરે આ માઇન્સ કલેક્ટર સુધી અરજીઓ કરી બંધ કરાવી હતી. પરંતુ ફરી આ સ્ટોન ક્વોરીનું બ્લાસ્ટીંગ શરૂ થતાં આસપાસ આવેલા ટીંબા, ભીમપુર, શાહુપુરા, આંકલીયારા અને ઇશાકપુરા વગેરે ગામના અગ્રણીઓએ ગુરૂવારે ભીમપુર ફાટક પાસે દેવજીભાઇ ચૌધરીના આંબાવાડીયામાં બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોએ માઇન્સના કારણે થઇ રહેલા નુકસાનનું વર્ણન કરતાં જણાવ્યું કે, બ્લાટીંગ નિયમ વિરૂધ્ધ થતું હોઇ તેનું કંપન આસપાસના પહાડોને તો હલાવે જ છે પરંતું ભૂગર્ભમાં થતા બ્લાસ્ટીંગથી ટ્યુબવેલમાં રેતી આવી રહી છે. ઉડતી ડસ્ટના કારણે ખેતરોમાં વસતા લોકોના સ્વાસ્થ સાથે ચેડાં થઇ રહ્યાં છે. દેવજીભાઇ ચૌધરીના નામે કરાયેલી અરજી મુજબ, માઇન્સના કારણે તારંગાજી અને તારણ-ધારણના સ્થાપત્યને નુકસાન થઇ રહ્યું છે.

કેદારેશ્વર અને જોષીમઠની જેમ તારંગાજી જોખમમાં
કેદારેશ્વર નજીક 2013માં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાંખવાની આડમાં પહાડીનું ખનન શરૂ થતાં પ્રલય આવ્યો હતો અને કેદારેશ્વર બાબાના શિવાલય સિવાય તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું હતું. હાલમાં જોષીમઠની પણ આવી જ સ્થિતિ છે. આખુ શહેર ખંડેર બની રહ્યું હોવાથી શહેરીજનો જોષીમઠ છોડી રહ્યાં છે. ત્યારે આવી જ સ્થિતિનું ગુજરાતમાં પણ નિર્માણ થવા જઇ રહ્યું છે. આડેધડ અપાયેલા માઇન્સના પરવાનાની આડમાં થતા બ્લાસ્ટીંગથી તારંગાજી અને તારણ-ધારણ જેવું પવિત્ર તીર્થધામ હવે જોષીમઠ બનવા જઇ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...