ખેરાલુ તાલુકા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું જર્જરિત ભવન મુખ્ય ચર્ચાનું કારણ બન્યું હતું. બાબા આદમકાળનું પંચાયત ભવન બેસવાલાયક ન હોવાથી તાત્કાલિક હંગામી સ્થળાંતર કરવું પડે તેમ છે, પરંતુ જગ્યા નહીં મળતાં વિપક્ષના ડેલીગેટોએ કચવાટ કર્યો હતો.
ખેરાલુ તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પંડ્યાની હાજરીમાં અને તાલુકા પંચાયત પ્રમુખ અસ્મિતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં તાલુકા પંચાયત ભવનનું વારંવાર સમારકામ કરવા છતાં છતનાં પોપડાં ખરી પડતાં હોઇ અરજદારો સાથે સ્ટાફ જીવના જોખમે ફરજ અદા કરી રહ્યો છે. એમાંય ચોમાસુ નજીકમાં છે ત્યારે જર્જરીત ભવન ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત હોઇ વિપક્ષના ડેલીગેટોએ પંચાયતના સ્થળાંતરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જોકે, ટીડીઓએ હંગામી સ્થળાંતર માટે નગરપાલિકા હસ્તકના મ્યુ. ગાર્ડન માર્કેટની દુકાનો બેસવાલાયક છે કે કેમ તે અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને જો આ દુકાનો બેસવાલાયક ના હોય તો બીજે ભાડે લેવા ટેન્ડર મંગાવવા અને નવું ભવન નિર્માણ કરવા ઠરાવ પસાર કરાયો હતો. જોકે, છેલ્લા ઘણા વર્ષથી આ મુદ્દો ચર્ચામાં લેવાતો હોવા છતાં તાલુકા પંચાયતે સ્થળાંતરમાં વિલંબ કરતાં વિપક્ષે આ મુદ્દાને લઇ હંગામો મચાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.