સદસ્યપદેથી દૂર કરવાની નોટિસ:ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા સદસ્યાને પદભ્રષ્ટ કરવાની નોટિસ

ખેરાલુ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજીનામા બાદ 2 વખત જ કારોબારી મળી હોવા છતાં નોટિસ અપાઇ
  • કારોબારીના રબરસ્ટેમ્પ સદસ્યા નથી બનવું : વસુમતીબેન ઠાકોર

ખેરાલુ તાલુકા પંચાયતના સદસ્યા વસુમતીબેન ઠાકોરે 7 માસ અગાઉ કારોબારીના સભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ 2 વખત મળેલી કારોબારી બેઠકમાં ગેરહાજર રહેતાં ટીડીઓએ તેમને પંચાયત ધારાની જોગવાઇ મુજબ સદસ્યપદેથી દૂર કરવાની નોટિસ ફટકારી છે.

ડભોડા બેઠક પરથી ચૂંટાયેલાં વસુમતીબેન ભૂપતજી ઠાકોરે તાલુકા પંચાયતનો વહિવટ બિન ચૂંટાયેલા રાજકીય અગ્રણીઓ કરતા હોવાથી બાહ્ય કનડગતથી પરેશાન થઇ ગત 24 જૂને કારોબારી સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, તાલુકા પંચાયત દ્વારા રાજીનામું મંજૂર કે નામંજૂર કરાયું નથી. તેવામાં ટીડીઓએ તેમને સતત ચાર વખત તમે કારોબારી બેઠકમાં ગેરહાજર રહ્યા છો તેમ જણાવી પંચાયત ધારાની કલમ 72(1) ખ મુજબ સદસ્ય પદેથી દૂર કરવાની નોટિસ આપી હતી.

નોટિસનો જવાબ આપતાં સદસ્યા વસુમતીબેન ઠાકોરે જણાવ્યું કે, કારોબારી ઉપર અન્ય બિન ચૂંટાયેલા રાજકીય અગ્રણીઓનો દબદબો હોવાથી કારોબારી સમિતિ પોતાની ફરજો પ્રત્યે બિન જવાબદાર પુરવાર થઇ છે અને હું આ કારોબારીમાં રબર સ્ટેમ્પ સદસ્યા તરીકે કામ કરવા માંગતી નથી. મારું રાજીનામું રજૂ થયા બાદ ફક્ત 2 વખત જ કારોબારી બેઠક મળી હોવાથી સતત ચાર બેઠકમાં ગેરહાજર રહેવાની વાત તદન ખોટી હોય મને સદસ્ય પદેથી દૂર કરી શકાય નહીં તેમ જણાવી અન્ય જે સદસ્યો સતત ગેરહાજર રહેલ છે તેમની સામે શું કાર્યવાહી કરાઇ તેની વિગતો માંગતાં તા.પં રાજકારણમાં ગરમાવો પ્રસર્યો છે.

અન્ય સમાચારો પણ છે...