ચૂંટણીબહિષ્કારનું એલાન:પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ફરી સરકારવિરોધી સૂર, કહ્યું - આ હવે મારી છેલ્લી ચૂંટણી

ખેરાલુ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુમાં બગીચાનું લોકાર્પણ કરતા રાજકીય નેતાઓ. - Divya Bhaskar
ખેરાલુમાં બગીચાનું લોકાર્પણ કરતા રાજકીય નેતાઓ.
  • ખેરાલુમાં બગીચાના લોકાર્પણમાં કહ્યું, હવે પછી હું કોઈ ચૂંટણી લડવાનો નથી
  • સિંચાઈના પાણી માટે 25 વર્ષથી રજૂઆતો કરતા હોવા છતાં સરકારે કોઈ નક્કર કામ નહીં કરતાં લોકો હવે ચૂંટણીબહિષ્કાર કરી રહ્યા છે

ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપના હાલના સાંસદ ભરતસિંહ ડાભીના ફરી સરકારવિરોધી સૂર સામે આવ્યા છે. તેમણે ખેરાલુમાં અખાત્રીજના દિવસે મ્યુનિસિપલ ગાર્ડનના લોકાર્પણ સમયે ખેરાલુ વિસ્તારની પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે સિંચાઇના પાણી માટે 25 વર્ષથી રજૂઆતો કરતા હોવા છતાં સરકારે કોઇ નક્કર કામગીરી ન કરતાં વિસ્તારના લોકો હવે પાણી માટે ચૂંટણીબહિષ્કાર કરી રહ્યા છે.

​​​​2024 પછી રાજકીય સંન્યાસ લેવાનું કહ્યું
આ સાથે તેમણે આ તેમની છેલ્લી ટર્મ હોવાનું અને 2024 પછી રાજકીય સંન્યાસ લેશે, એમ કહ્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ બગીચાને કોરાણે મૂકી પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રમીલાબેન દેસાઇ અને મારી સાથે મારા સાથી મિત્ર અજમલજીએ ખેરાલુ વિધાનસભામાં સિંચાઇના પાણીની સમસ્યા ઉકેલવા વારંવાર સરકારને રજૂઆત કરી છે.

હું કોઇ જ ચૂંટણી લડવાનો નથી: ભરતસિંહ ડાભી
આ વાતને 25 વર્ષ કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં સરકાર દ્વારા નક્કર કોઇ જ કામગીરી કરાઇ નથી. પરિણામે, વિસ્તારના લોકો હવે પાણી માટે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે. જોકે તેમણે સરપંચથી સાંસદ સુધી લોકોએ જે સહયોગ આપ્યો એનો આભાર માની હવે પછી હું કોઇ જ ચૂંટણી લડવાનો નથી અને 2024 પછી હું રાજકીય સંન્યાસ લેવાનો છું એવો મત વ્યક્ત કર્યો હતો.

બગીચાનું 30% કામ બાકી છતાં લોકો માટે ખુલ્લો મુકાયો
ખેરાલુ પાલિકા દ્વારા યુડીપીની રૂ.1.55 કરોડની ગ્રાન્ટમાંથી રિનોવેશન કરવામાં આવી રહેલા બગીચાનું કામ હજુ 30 ટકાથી વધુ બાકી છે. કોરોનામાં કામ વિલંબિત થયું હોવાથી નગરજનોની માગણીને પગલે લોકો માટે બગીચો ખુલ્લો મૂકવો જરૂરી જણાતાં પાલિકા દ્વારા મંગળવારે અખાત્રીજના દિવસે બગીચાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ધારાસભ્ય અજમલજીએ વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો
પાલિકા-પ્રમુખ હેમંત શુક્લ તેમજ નગરસેવકો અને પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ સહિતની હાજરીમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ રિબિન કાપી બગીચો ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અજમલજીએ બગીચામાં આયુર્વેદિક ફૂલછોડ ઉછેરવા ઉપરાંત પ્રદૂષણ દૂર કરતાં અને ઓક્સિજન પૂરો પાડતાં વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો હતો.