માંગણી:ખેરાલુ તાલુકા પંચાયતનું ભવન જર્જરિત હાલતમાં, ગમે ત્યારે પડવાની સંભાવના

ખેરાલુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈકલ્પિક જગ્યાના અભાવે સ્થળાંતર અટકતાં કર્મચારીઓ જોખમ ઉઠાવવા મજબૂર

ખેરાલુમાં પંચાયતના સ્થાપના કાળથી બંધાયેલું અહીંની તાલુકા પંચાયતનું ભવન છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત બન્યું હોવાથી ડેલીગેટોએ તેને નવું બનાવવા માંગણી કરી છે. પરંતુ વૈકલ્પિક જગ્યાના અભાવે સ્થળાંતર અટકતાં પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓ જોખમ ઉઠાવવા મજબૂર બન્યા છે.

ખેરાલુની મધ્યમાં આવેલી જૂની ગાયકવાડી કચેરીના સંકુલમાં ખેરાલુ તાલુકા પંચયતનું ભવન આવેલું છે. જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આ ભવનનો ઉપયોગ થઇ રહ્યો હતો. સતત ત્રણ વખત સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ 50 વર્ષ જૂનું ભવન હવે નવું બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. અગાઉ બે વાર છતના પોપડા ખરી પડવાના બનાવો પણ બન્યા છે અને હાલ પણ આ ભવનની છત ગમે ત્યારે તૂટી પડે તેવી હોઇ તાલુકા પંચાયતના ડેલીગેટોએ નવું ભવન બનાવવા માંગણી કરી હતી.

આ મુદ્દે પંચાયતની ગત સાધારણ સભામાં ભાડાનું ભવન શોધી સ્થળાંતર કરવા ઠરાવ કરાયો હતો. પરંતુ તાલુકા પંચાયતને બેસવા લાયક કોઇ જગ્યા જ મળતી નથી. છેલ્લા બે માસથી વૈકલ્પિક ભવનની શોધ કરવામાં આવી રહી છે. પરંતુ કોઇ ભવન નહીં મળતાં હવે તાલુકા પંચાયતના કર્મચારીઓ જીવના જોખમે અહીં કામ કરવા મજબૂર બન્યા છે. આ બાબતે અમે TDO એ.એમ.પંડ્યાનો સંપર્ક કર્યો તો તેમણે હજુ જગ્યા મળી નથી અને જ્યાં સુધી નવી જગ્યા નહીં મળે ત્યાં સુધી આ ભવનનું નવનિર્માણ સંભવ નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...