સિંચાઇના પાણી મુદ્દે ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજવા સતલાસણા અને ખેરાલુના ખેડૂતોએ માગેલી મંજૂરી વહિવટી તંત્રએ ઠુકરાવી દેતાં શુક્રવારે રાત્રે ખેરાલુની વૃંદાવન ચોકડી ખાતે ખેડૂતોએ મહાસભા યોજી હતી અને મંજરી નથી મળી તો પણ ૬ જુને ગાંધીનગર સુધી મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજવાનો નિર્ણય લીધો છે.
ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે આવેલા એક શોપીંગ સેન્ટરના ખુલ્લા પ્લોટમાં શુક્રવારે રાત્રે ખેડુતોએ મહાસભા યોજી હતી. જેમાં ૮૦૦થી વધુ ખેડુતો બહેનો સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખેડુતોને સંબોધતાં પાણીની લડાઇ લડી રહેલા રાધનપુરના સાગરભાઇ ચૌધરી, પાન્છાના પ્રવિણભાઇ ચૌધરી, સંતોકપુરાના લલીતજી ઠાકોર સહિતે ખેડુતોને સંબોધતાં જણાવ્યું હતું કે માગ્યા વગર માં પણ નથી પિરસતી જેથી પાણીની માંગણી કરવી એ આપણો અધિકાર છે.
સાગરભાઇએ જણાવ્યું હતું કે જો નજીકમાં આવેલા વિસનગરને નર્મદાનું પાણી મળી શકતું હોય તો ખેરાલુ અને સતલાસણા સાથે અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે વિસનગરમાં નર્મદાની પાઇપ લાઇન હોવાથી પાણી અપાયું એજ પ્રકારે ખેરાલુનું ચિમનાબાઇ સરોવર અને સતલાસણાનું વરસંગ તળાવ પણ નર્મદાની પાઇપ લાઇનથી જોડાયેલું છે. તો સરકાર પાણી કેમ નથી આપતી, સરકાર આ વિસ્તારના ખેડુતોને અન્યાય કેમ કરી રહી છે. આવા અનેક સવાલો ઉઠાવી ૬ જુને રેલી યોજવા અમે ખેડુતો મજબુર બન્યા છીએ.
ખેડૂતોના સમર્થનમાં ખેરાલુ એપીએમસી બંધ પાળશે
આગામી ૬ જુને પાણીની માંગણી સાથે વિસ્તારના ખેડુતો ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર કૂચ કરવાના છે. ત્યારે ખેરાલુ એપીએમસીમાં પેઢીઓ ધરાવતા વહેપારીઓએ ખેડુતોની આ રેલીને સમર્થન આપ્યું છે. વહેપારી અગ્રણી નરેશભાઇએ ખેડુતોની સભામાં ઘોષણા કરી હતી કે ૬ જુને અમે એપીએમસીના વહેપારીઓ પેઢીઓ બંધ રાખી ખેડુતોને સમર્થન આપીશું.
ખેડૂતોએ આ ત્રણ મુદ્દે રેલી યોજવા નિર્ણય લીધો
રેલી માટે મળેલી ખેડુતોની મહાસભામાં ખેડુત અગ્રણીઓએ મત વ્યક્ત કર્યો હતો કે સરકાર અમારી ત્રણ માંગણીઓ પુરી કરે, (૧) વરસંગ અને ચિમનાબાઇમાં પાણી નાંખી રૂપેણ અને વર્ષગંગા નદીને જીવીત કરે. (ર) મોકેશ્વર અને ધરોઇથી પાણી લીફ્ટ કરી ખેરાલુ- સતલાસણાના તમામ ગામોના તળાવો ભરો અને (૩) આ બંને તાલુકાનો ધરોઇ નહેર આધારિત સિંચાઇના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.