કાર્યવાહી:ખેરાલુ મામલતદારે તોડ કરતાં વચેટીયાને ઝડપ્યો, દોડ લગાવી વચેટીયો રફૂચક્કર

ખેરાલુ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડગામના ભૂખલાનો શખ્સ પત્રકારની ઓળખ આપી અરજદારોને ઉલ્લુ બનાવતો

ખેરાલુની વિવિધ કચેરીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી ગરીબ અરજદારો પાસેથી નાણાં પડાવતા એક વચેટીયાને ગતરોજ અહીંના મામલતદારે રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે 50 મીટરની દોડ લગાવી પકડેલો વચેટીયો ચકમો આપી ફરાર થઇ જતાં મામલતદારે વચેટીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આદરી છે.વડગામના ભૂખલામાં રહેતો અને દરરોજ સવારે ખેરાલુની વિવિધ કચેરીઓની મુલાકાતે આવતો મહેમુદખાન સાબતખાન શેરાણી ઉર્ફે પઠાણ નામનો એક શખ્સ કચેરીઓમાં પોતાની ઓળખ એક પત્રકાર તરીકે આપી ગરીબ અને અભણ અરજદારોને છેલ્લા ઘણા સમયથી ઉલ્લુ બનાવતો હતો.

અરજદારો સમક્ષ તે સાહેબ મારા ખાસ પરિચિત છે તેમ જણાવી કોઇની પાસેથી આવાસ મંજૂર કરાવવા, તો કોઇની પાસેથી વિધવા સહાય અપાવવાના બહાને નાણાં પડાવતો હતો. ગઈકાલે આ શખ્સ ખેરાલુના તાલુકા સેવા સદનઆગળ કેટલાંક અરજદારોને પોતાની જાળમાં ફસાવી રહ્યો હતો ત્યારે ગોરીસણાના સેનમા સદાભાઇ મંગાભાઇ અને તેમના પત્ની સૂર્યાબેન સેનમાએ વચેટીયાને પકડી આવાસ મંજૂર કરી આપવા આપેલ 4000 રૂ. રોકડા અને કાગળો પાછા માગતાં વચેટીયો તેમને ધમકાવી રહ્યો હતો.

આ બાબતે માલતદાર એચ.એન. વસૈયાને જાણ થતાં તેઓ પોતાની કચેરીમાંથી નીચે ઉતરી આવ્યા હતા. જોકે મામલતદારને જોઇ વચેટીયો ભાગવા જતાં મામલતદાર બહેને બે જીઆરડી જવાનો સાથે 50 મીટરની દોડ લગાવી તેને રંગેહાથ ઝડપી કચેરીમાં લઇ આવ્યા હતા. પરંતુ તે ફરી ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...