માંગણી:ખેરાલુ અને સતલાસણાના ખેડૂતોની તળાવો અને ચેકડેમ ભરવા માંગણી

ખેરાલુ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ ખેડૂતોની લેખિત રજૂઆત
  • 44 ગામોને નર્મદા-ધરોઇનું પાણી સિંચાઇ માટે આપવા દરખાસ્ત કરાઇ

ખેરાલુ અને સતલાસણા પંથકમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને લઈ પાક નિષ્ફળ ગયો હોઇ તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંડાં હોઇ રવિ સિઝનમાં પિયત થઇ શકે તે માટે ખેડૂતોએ ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ કુડા-ભીમપુર પાઇપ લાઇન દ્વારા વરસંગ તળાવ અને ચિમનાબાઇ સરોવર ભરવાની સાથે કમાન્ડ વિસ્તારમાં દરેક ગામના તળાવો અને ચેકડેમો નર્મદાના પાણીથી ભરવા રજૂઆત કરી છે.

ખેરાલુ તાલુકામાં ૧૪,૪૦૯ હેક્ટરની સામે હજુ સુધી માત્ર ૪૮ર૪ હેક્ટર એટલે કે ૩૩.૪૮ ટકા,સતલાસણા તાલુકામાં પણ ૯૬ર૪ હેક્ટરની સામે ૧૧૬૯ હેક્ટર એટલે કે ૧ર.૧પ ટકા જમીનમાં શિયાળુ વાવેતર થયું છે. ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યું કે, અમે સતલાસણા અને ખેરાલુના કુલ ૪૪ ગામોને નર્મદા તેમજ ધરોઇ મારફતે સિંચાઇના પાણીનો લાભ મળી રહે તે માટે સરકારને દરખાસ્ત કરી છે. રવિ સિઝનમાં તળાવો અને ચેકડેમ ભરવા મુદ્દે પાણીપુરવઠા મંત્રીને જાણ કરી છે.

ચાર જગ્યાએ પાઇપલાઇન નાખવા માંગણી
શાહુપુરા કંપાના ખેડૂત મહેન્દ્રભાઇ પટેલનું કહેવું છે કે, કુડા-ભીમપુર પાઇપ લાઇનમાંથી શીવપુરા પાસે જો ૮૦૦ મીટરની, શાહુપુરા પાસેના એરવાલ્વ નજીકથી ૭૦૦ મીટરની, ગુજરાસણ વહેળા નજીકથી ૬૦૦ મીટરની તેમજ ભીમપુરથી ૯૦૦ મીટરની નવી પાઇપ લાઇન નાંખવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી પાણી વગર વલખાં મારી રહેલા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને તળાવો ભરાવાથી ખેતીમાં પિયત અને પશુપાલનને બચાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...