દુર્ઘટના:ખેરાલુના વરેઠામાં મકાન ઉપર વીજળી પડતાં પતરું ફાટી ગયું

ખેરાલુ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ જાનહાનિ નહીં, માત્ર ઘરવખરીને નુક્સાન

ખેરાલુ તાલુકાના વરેઠામાં ગઈકાલે સાંજે કડાકા-ભડાકા સાથે થયેલા વરસાદ વચ્ચે એક મકાન ઉપર વીજળી પડતાં મકાનની છતનું પતરૂ ફાટવાની સાથે ઘરવખરીને નુક્સાન થવાની સાથે કોઇ જાનહાનિ નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.વીજળી પડતાં વીજતારો તૂટી ગયા હતા અને અહીંના 66 કેવી સબસ્ટેશનથી વિસ્તારમાં વીજ પુરવઠો પુરો પાડતા 6 ફીડરો બંધ થઇ જતાં સતત ચાર કલાક સુધી વીજળી ગુલ થઇ ગઇ હતી. ત્યારે સાંજે ફરી કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરેઠામાં એક મકાન ઉપર વીજળી પડવાનો બનાવ સામે આવ્યો હતો.

વરેઠામાં રહેતા મનસુરી રહીમભાઇ દાઉદભાઇ તેમના બે માળના ઘર નીચે આવેલી દુકાનમાં હાજર હતા. ત્યારે અચાનક વીજળી પડતાં તેમના મકાનની છતનું પતરૂ ફાટી ગયું હતું. ખૂબ મોટો ધડાકો થતાં મહોલ્લાના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે વીજળી પતરૂ ફાડીને ઉપરના માળે મકાનના ઓરડામાં ઘુસી જતાં મોબાઇલ ફોન સહિત જે પણ સામગ્રી વિજળીના સંપર્કમાં આવી તે બળીને ખાખ થઇ જતાં પંચાયતી તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટના સ્થળે પહોંચેલી તાલુકા પંચાયતની ટીમે મલિકતને નુકશાન થવા સિવાય કોઇ જાનહાની નહીં થયાનું જાણી હાશકારો અનુભવ્યો હતો અને સ્થળનું પંચનામું કરી નુકશાનીનો તાગ મેળવવા પ્રયાસ આદર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...