ખેરાલુમાં એક વેપારીએ મંગળવારે તેમની કન્સ્ટ્રકશન સાઇડના રસ્તા વચ્ચે પાર્ક કરેલું બાઇક હટાવવાનું કહેતાં નશામાં બે શખ્સોએ વેપારીને પીઠ પાછળ છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. વેપારીની ફરિયાદ બાદ પોલીસે બંનેને પકડી જેલભેગા કર્યા હતા.
ખેરાલુમાં કાપડની દુકાન ધરાવતા અને વકીલાતનો વ્યવસાય કરતા ચેતનકુમાર જ્યંતિલાલ ભાવસાર ખારીકૂવી વિસ્તારમાં બાંધકામ કરી રહ્યા હોઇ મંગળવારે તેમની સાઇડ ઉપર લોખંડ ઉતારવા વાહન આવતાં તેમણે રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરીને ઉભા રહેલા વિશાલ રાજુભાઇ પટવા અને મહંમદ ઉર્ફે ભાણો સલીમભાઇ સીંધીને બાઇક હટાવવાનું કહેતાં નશામાં ચકચૂર આ બંને શખ્સો તેમની સાથે બાખડી પડ્યા હતા. જેમાં વિશાલ પટવાએ બરડાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતાં વેપારી લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. મહંમદ સીંધીએ માર માર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખેરાલુ સિવિલ બાદ વડનગર રીફર કર્યા બાદ વેપારીએ પોલીસને જાણ કરતાં બંને વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
એક અન્ય વેપારીના ગળે છરી મૂકી ખંડણી માંગી
વેપારીને છરી મારવાના કિસ્સામાં સંડોવાયેલા આ બંને લોફરોએ આ ઘટનાના એક કલાક પહેલાં અશ્વિનભાઇ શાહ નામના એક દુકાનદારના ગળે છરી મૂકી ખંડણી માંગી હતી. જોકે, આસપાસના દુકાનદારોએ આવી બંનેને ત્યાંથી તગેડી મૂક્યા હતા. ત્યાર બાદ આ બંને શખ્સોએ ચેતનભાઇ ભાવસાર સાથે ઝઘડો કર્યો હતો. જોકે, બીજી ઘટનામાં અશ્વિનભાઇ શાહે કોઇ ફરિયાદ કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.