સર્વેની કામગીરી:ધરોઇથી સાબરમતીના નીરથી ખેરાલુ, સતલાસણા તાલુકાનાં તળાવો ભરાશે

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન સંપાદન વગેરે સર્વે માટે 58.72 લાખની ગ્રાન્ટ ફાળવાઇ

ધરોઇથી સાબરમતીના નીર દ્વારા સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવાની યોજનાને વહિવટી મંજુરી મળતાં જમીન સંપાદન વગેરે સર્વેની કામગીરી માટે માટે સરકારે રૂા. પ૮.૭ર લાખની રકમ ફાળવી છે. ધારાસભ્ય અજમલજી ઠાકોરના જણાવ્યા મુજબ ટુંક સમયમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ખેરાલુ અને સતલાસણા તાલુકાના ૪૪ ગામો કે જેને ધરોઇ અને નર્મદાનો કોઇ લાભ મળતો નથી. તે તમામ ગામો માટે અગાઉ સરકારે રૂપિયા ૧૩૧ કરોડની યોજના બનાવી હતી. જેમાં હવે ધરોઇથી સાબરમતી નદીના પાણી પમ્પીંગ કરી પાઇપ લાઇન દ્વારા તળાવો ભરવાની માંગણી કરવામાં આવી હતી. સરકારે હવે આ યોજનાને વહિવટી મંજુરી આપ્યા બાદ જમીન સંપાદન વગેરેના સર્વે માટે રૂ. પ૮,૭૨,૭૮૧ ની રકમ ફાળવી છે.

આ અંગે અહીંના ધારાસભ્ય અજમલજી ઠાકોરનું કહેવું છે કે ધરોઇથી સાબરમતીના પાણીનો ઉપયોગ કરી પમ્પીંગ દ્વારા ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામોના તળાવો ભરવાની કામગીરી માટે કન્સલ્ટન્સી સેવાઓની કામગીરીના અંદાજને વહિવટી મંજુરી આપવામાં આવી છે. આ રકમ દ્વારા જમીન સંપાદન વગેરેના સર્વેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...