સન્માન સમારોહ:ખેરાલુમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો

ખેરાલુ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘીમાં ભેળસેળના મામલે ક્લીનચીટ મળતાં સન્માનિત કરાયાં
  • દૂધસાગર ડેરીને દેશના સહકારી ક્ષેત્ર સાથે જોડવા સહિત 3 ઠરાવ કરાયાં

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર અને પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીને હાઇકોર્ટે ઘીમાં ભેળસેળ મામલે ક્લીનચીટ આપતાં બંનેનો સન્માન સમારોહ બુધવારે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં દૂધસાગર ડેરીને દેશના સહકારી ક્ષેત્ર સાથે જોડવા તેમજ ખાનગી ડેરીઓને કેન્દ્ર સરકાર સમર્થન ના આપે તેવા 3 મુદ્દાનો ઠરાવ કરાયો હતો.

ખેરાલુ કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ‍વિનુભાઇ ચૌધરી, સાગરડેરીના ડિરેક્ટર દશરથભાઇ જોશી, કમલેશભાઇ પટેલ અને ખેરાલુ તાલુકાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આશાબેન અને મોંઘજીભાઇએ પોતે બેદાગ હોવા છતાં ડેરીમાં સત્તા મેળવવા કેટલાક લોકોએ તેમને ખોટા કેસમાં જેલભેગા કર્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો અને ઉમેર્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે.

જ્યારે વિપુલ ચૌધરીએ મોંઘજીભાઇ અને આશાબહેને લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસનો પ્રચાર ના કર્યો હોત તો શું એ જેલમાં ગયા હોત તેવો સવાલ ઉઠાવ્યો હતો. સભામાં તેમણે ત્રણ ઠરાવો પણ પસાર કર્યા હતા. દૂધસાગર ડેરીને કેન્દ્ર સરકાર દ્વારા રચિત સહકારી માળખામાં સમાવેશ કરો, ખેરાલુ દૂધ મંડળી અને ઇતર મંડળીની ચૂંટણી જાહેર કરો કેન્દ્રીય કૃષિ અને પશુપાલન મંત્રીની સાથે ખાનગી ડેરીને સમર્થન આપી રહેલા સાગર ડેરીના વર્તમાન ચેરમેનની કામગીરીને વખોડી હતી. પત્રકારોએ આ વિધાનસભાની તૈયારી નથી ને તેવો સવાલ પૂછતાં વિપુલભાઇએ કંઇપણ કહેવા ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...