વિરોધ:સિંચાઇના પાણી પ્રશ્ને ખેરાલુ તાલુકાના 10 ગામોના ખેડૂતોનું સરકારને 31 મે સુધીનું અલ્ટીમેટમ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 જૂને 1000 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ
  • મામલતદારને આવેદનપત્ર આપી 6 જૂને ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચી ધરણાંની મંજૂરી માગી

સિંચાઇના પાણીની માંગણી સાથે ખેરાલુ તાલુકાના 10 ગામના ખેડૂતોએ મંગળવારે મામલતદારને આવેદનપત્ર સાથે અલ્ટીમેટમ આપ્યું છે કે સરકાર 31 મે સુધી સિંચાઇના પાણીનો ઉકેલ નહીં લાવે તો 6 જૂને 1000 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે. આ સાથે ટ્રેક્ટર રેલી યોજવા મંજૂરી પણ માંગી હતી.

ખેરાલુ તાલુકા સેવાસદનમાં ફતેપુરા, મંદ્રોપુર, વિઠોડા, પાન્છા, ડભાડ, વિરપુરા, કુવેલા, બળાદ, ખેરાલુ અને લુણવા એમ 10 ગામના ખેડૂતોએ જુદા જુદા આવેદનપત્રો આપી મામલતદારને રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી સિંચાઇના પાણીની માંગણી કરી રહ્યા છીએ, પરંતુ સરકાર ફક્ત કાગળ ઉપર યોજનાઓ ઘડે છે. તળાવો ભરવા પાઇપ લાઇન નાંખવાના ટેન્ડરો બહાર પાડે છે, પરંતુ વરસંગ અને ચિમનાબાઇ સરોવરમાં પહેલેથી જ નર્મદાની પાઇપ લાઇન નંખાયેલી છે તો સરકાર આ બે મોટા તળાવો કેમ ભરતી નથી. જો મે મહિનાના અંત સુધીમાં સરકાર વિસ્તારની સિંચાઇના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં કરે તો 6 જૂને 1000 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે.

ભીખા ચાચરીયા સામે વિરોધ, ખેડૂત વિરોધી ચળવળ પડતી ના મૂકે તો APMCને તાળાં મારીશું
મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ખેડૂતો એપીએમસી પહોંચ્યા હતા. અહીં ખેડૂતોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરીયા ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે, જેથી આજે અમે પાઠ ભણાવવા આવ્યા છીએ. જોકે ભીખાલાલ હાજર ન હોઇ ખેડૂતોએ ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે બુધવારે રૂબરૂ મળવાનું કહ્યું હતું. જોકે, ખેડૂતોએ જો ભીખાલાલ ચાચરીયા ખેડૂતોની માફી માંગી શરૂ કરેલી ખેડૂત વિરોધી ચળવળ પડતી નહીં મૂકે તો એપીએમસીને તાળાં મારીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતોના સમર્થનમાં એપીએમસી 26મીએ બંધ રહેશે
ગંજબજારના વેપારી મંડળે માઇક ઉપર જાહેરાત કરી હતી કે અમે વેપારીઓ ખેડૂતોના પક્ષમાં છીએ અને 26મી મેના રોજ એક દિવસ ગંજ બજાર બંધ રાખી ખેડૂતોને સમર્થન આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...