રાહત:ખેરાલુ-સતલાસણાનાં ગામતળાવો ભરવાની રૂ.131 કરોડની યોજના ઝડપથી પૂરી કરવા CMનો આદેશ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ ખેડૂતોને સાંભળ્યા બાદ સિંચાઇના પાણીની સમસ્યાના ઝડપી ઉકેલના આદેશ આપ્યા
  • વીજલોડ વધારી ચિમનાબાઇ અને વરસંગ તળાવો ભરવા અને ધરોઇના પાણીનો જથ્થો સુનિશ્ચિત કરવા દરખાસ્ત મગાવી

સિંચાઇના પાણીની માંગણી સાથે આંદોલન કરી રહેલા ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો સોમવારે મુખ્યમંત્રીને મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ મંત્રીથી માંડી ઇજનેરોને યુદ્ધના ધોરણે ‍સિંચાઇના પાણીની માંગણી પૂરી કરવા આદેશ કરતાં ખુશખુશાલ થઇ ઉઠેલા ખેડૂતોએ હવે પાણી નહીં તો વોટ નહીંનું સૂત્ર છોડી વૃક્ષ નહીં તો પાણી નહીંના સૂત્રને અનુસરવાનો સંકલ્પ કર્યો છે.

ધારાસભ્ય અજમલજી ઠાકોરની આગેવાની હેઠળ બંને તાલુકાના 40 જેટલા ખેડૂત અગ્રણીઓ સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતોની માંગણીઓ સાંભળ્યા બાદ બેઠકમાં હાજર પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઇજનેરોને યુદ્ધના ધોરણે સિંચાઇના પાણીની સમસ્યા હલ કરવા આદેશ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ધરોઇ આધારિત રૂ.131 કરોડની યોજના મારફતે ગામે ગામ સિંચાઇનું પાણી પહોંચાડવાની યોજના તાત્કાલિક પૂરી કરવા, અપૂરતા વીજ પુરવઠાને કારણે બિનઉપયોગી બનેલા રસુલપુર પમ્પિંગ સ્ટેશનનો વીજપાવર વધારી 200 ક્યુસેક પાણીથી ચિમનાબાઇ અને વરસંગ વગેરે તળાવો ભરવા આદેશ કર્યો છે.

બંને તાલુકા માટે ધરોઇ ડેમના પાણીનો જથ્થો સુનિશ્ચિત કરવા દરખાસ્ત મંગાવી છે. ચિમનાબાઇ સરોવરને 24 ફૂટ સુધી ભરેલું રાખવા સરોવરનું ડેડ લેવલ નક્કી કરવા તેમજ સરોવરમાં સતત પાણી ભરેલું રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવા અને ડાવોલ, ડાલીસણા અને વરેઠા ગામના તળાવો ભરવા શરૂ કરાયેલ પાઇપ લાઇનની કામગીરી વહેલી તકે પૂરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

સતલાસણાના વી.ડી. મેવાડા અને મંદ્રોપુરના રમેશભાઇ ચોધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અમારી સમસ્યા ચુટકીમાં હલ કરતાં હવે અમે પાણી નહીં તો વોટ નહીંના સૂત્રને બદલે વૃક્ષ નહીં તો પાણી નહીંના સૂત્ર તળે ગામે ગામ વૃક્ષારોપણ અને વરસાદી પાણીના જળસંચયના કામો માટે જનઆંદોલન છેડવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...