તપાસ:વઘવાડીમાં ખેતરમાં સૂતેલા ભાગીયાની હત્યા

ખેરાલુ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોટાણાના નદાસાના અને હાલ કડીના આનંદપુરા નંદાસણમાં રહેતા યુવકને દોઢેક વર્ષથી ભાગીયા તરીકે રાખ્યો હતો
  • બે ભાઇઓમાંથી એક અંબાજી પદયાત્રીઓની સેવામાં ગયો, બીજાની તિક્ષ્ણ હથિયારના ઘા મારી અજાણ્યા શખ્સોએ હત્યા કરી

ખેરાલુના વઘવાડીની સીમમાં ગત રાત્રિએ ખેતરમાં સૂતેલા ભાગીયાની અજાણ્યા શખ્સે હત્યા કરેલી લાશ મળી આવતાં ખેતરના માલિકે પોલીસને જાણ કરી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચેલા ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલાએ લાશનું પંચનામું કરી ફરિયાદ નોંધી એફ.એસ.એલ. અને ડૉગસ્ક્વૉડ સહિત તપાસ એજન્સીઓના માધ્યમથી હત્યારાઓનેે શોધવા સઘન પ્રયાસ હાથ ધર્યા હતા.

ખેરાલુ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ તાલુકાના વઘવાડીમાં રહેતા કરશનભાઇ કેશરભાઇ ચૌધરીએ ગામથી દૂર વગડા વચ્ચે બાણગંગેશ્વર મહાદેવની નજીક ખેતરના કામકાજ માટે મૂળ જોટાણાના નદાસાના વતની અને હાલમાં કડીના આનંદપુર નંદાસણ ખાતે રહેતા ઠાકોર ભીખાજી મગનજી અને તેમના ભાઇ ઠાકોર રાજુજી મગનજીને છેલ્લા દોઢેક વર્ષથી ભાગીયા તરીકે રાખેલા હતા. બંને ભાઇઓ ખેતરમાં પશુઓ સાચવવાની સાથે ખેતીનું કામ કરતા હતા. ટ્યુબવેલની ઓરડી પાસે છાપરૂ બાંધી બંને ભાઇઓ એકલા રહેતા હતા. જેમાં રાજુજી ઠાકોર છેલ્લા 6 દિવસથી અંબાજી જતા પગપાળા સંઘોની સેવા કરવા ગયેલ હતો અને ભીખાજી ઠાકોર રાત્રીએ ખેતરમાં પોતાના છાપરામાં એકલો સૂતો હતો. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિએ મોંઢા અને ગાળાના ભાગે તિક્ષ્ણ હથિયારોના 3 જેટલા ઘા કરી હત્યા કરી દીધી હતી.

આ ઘટનાની જાણ ખેતરમાં છુટક મજુરો કરવા આવતા ખોડ ગામના ઠાકોર કાળજી ખેતર માલિકને કરતાં કરશનભાઇ ચૌધરીએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશનું પંચનામું કરી પી.એમ. માટે મોકલી આપ્યા બાદ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાનો ગુનો નોંધી FSL અને ડૉગસ્ક્વૉડ વગેરે તપાસ હત્યારાઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

હત્યારાને પકડવા માટે પોલીસના હવાતિયાં
પોલીસે ઘટનાની જાણ કરનારા મજૂરીયાની સાથે અંબાજીના સેવા કેમ્પમાં મજૂરીએ ગયેલા મૃતકના ભાઇ અને અવાર નવાર ખેતરમાં આવતા મૃતકના ભાણેજ સહિતના નિવેદન મેળવી તપાસ શરૂ કરી હતી. પરંતુ સાંજ સુધીમાં હત્યામાં વપરાયેલ હથિયાર કે હત્યારાનું નામ અને કારણ જાણવા મળ્યું ન હતું અને ડોગ પણ ખેતરના સેઢા સુધી જઇએ પરત ફરી ગયો હતો.

તપાસ શરૂ હોવાનું પોલીસનું રટણ
આ બાબતે ડીવાયએસપી એ.બી. વાળંદને પૂછતાં તેમણે હાલમાં તપાસ ચાલુ છે. એફ.એસ.એલ. વગેરે તપાસ એજન્સીઓ કામ કરી રહી છે. જેથી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી અટકળો ના આધાર ઉપર હત્યારાનું નામ કે કારણ જણાવી શકાય નહીં તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...