વાત ભૂલાઇ:તારંગાથી અંબાજી-આબુ રેલ્વે લાઇનની જાહેરાતનું સૂરસૂરિયું, રેલમંત્રીએ કહ્યું,બધો ખર્ચ ના કરી શકીએ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારે આર્થિક સહભાગીતા ન કરતાં રૂ.1695.72 કરોડનો પ્રોજેક્ટ અધૂરો
  • સ્થાનિક સાંસદ અને ખેરાલુના ધારાસભ્યએ સીએમને પત્ર લખી પ્રોજેક્ટ પૂરો કરવા માંગણી કરી

મહેસાણા-તારંગા રેલ્વે લાઇનને વાયા અંબાજી થઇ આબુરોડ સુધી લંબાવવાના રૂ.૧૬૯પ.૭ર કરોડના પ્રોજેક્ટને કેન્દ્રના રેલ્વે મંત્રાલયે કોરાણે મૂકી દીધો છે. આ બાબતે સાંસદ ભરતસિંહ ડાભીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવતાં રેલ રાજ્ય મંત્રીએ ગુજરાત સરકારે આર્થિક સહભાગીતા નહીં કરતાં આ પ્રોજેક્ટ પૂરો થઇ શકે તેમ નથી તેવો પ્રત્યુત્તર પાઠવ્યો છે. જેને પગલે સાંસદ ભરતસિંહ ડાભી તેમજ અહીંના ધારાસભ્ય અજમલજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ પ્રોજેક્ટ ઝડપી પૂરો કરાવવા માંગણી કરી છે.

કેન્દ્ર સરકારે રૂ.૧૬૯પ.૭ર કરોડના ખર્ચે વરેઠા રેલ્વે સ્ટેશનથી વાયા અંબાજી થઇ આબુ રોડ સુધી રેલલાઇન લંબાવવા યોજના ઘડી હતી. મહેસાણાથી તારંગા સુધી રેલ્વે લાઇન નંખાઇ ગયા બાદ આગળનું કામ શરૂ નહીં થતાં સાંસદ ભરતસિંહ ડાભીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ આ પ્રશ્નના જવાબમાં સ્પષ્‍ટ લખ્યું છે કે, મહેસાણા-તારંગા રેલ્વે લાઇનનું પ૩.૯ કિમીનું કામ પૂરું કરી વરેઠા સુધી રેલ્વે લાઇનને ચાલુ કરી દેવાઇ છે અને વરેઠાથી વાયા અંબાજીથી આબુરોડ સુધીની ૮૯.૩૮ કિમીની નવી રેલ્વે લાઇન નાંખવાની રૂપરેખા તૈયાર કરી દેવાઇ છે.

પરંતુ આ પરિયોજનાનો ખર્ચભાર વધુ હોઇ તેમાં ગુજરાત સરકારને આર્થિક સહયોગીતા કરવા અનુરોધ કરાયો છે. જેમાં ગુજરાત સરકારે કોઇ સહયોગ દાખવ્યો નથી અને કોઇ પ્રત્યુત્તર પણ પાઠવ્યો નથી, જેથી આ પરિયોજના પૂરી થઇ શકે તેમ નથી.

રેલ રાજ્ય મંત્રીના આ જવાબને પગલે સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રાજ્ય સરકાર આ પરિયોજનામાં શક્ય તે તમામ બાબતે સહભાગીતા કરે અને મહેસાણા-તારંગા રેલ્વે લાઇનને વાયા અંબાજીથી આબુ રોડ સુધી લંબાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘડેલા આ પ્રોજેક્ટને પૂરો કરાવે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...