ક્રાઇમ:ખેરાલુના મલેકપુર પાસે ગરનાળામાં ખદબદતું કેમિકલ ઠલવાતાં તંત્ર દોડ્યું

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની પાઇપલાઇન કેમિકલમાં ડૂબી જતાં સ્થાનિકોમાં દહેશત

ખેરાલુના મલેકપુર નજીક ગરનાળામાં કોઇએ ખદબદતું કેમિકલ ઠાલવી દેતાં નાળામાંથી ગણેશપુરાને પાણી પહોંચાડતી પાઇપ લાઇન, ધરોઇની પાઇપ લાઇન અને વાલ્વ કેમિકલમાં ડૂબી જતાં સ્થાનિક રહીશોએ પાણીની પાઇપ લાઇન સાથે થયેલી આ છેડછાડને જીવન સાથે ચેડાં સમાન ગણાવી છે. આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓએ તપાસ આદરી છે.

મલેકપુર નજીક સિદ્ધપુર તરફ જતા મુખ્ય માર્ગ પરના ગરનાળામાં મંગળવારની બપોરે કોઇ ખદબદતું કેમિકલ ઠાલવી ગયું હોવાનું જાણવા મળતાં ગણેશપુરા અને મલેકપુરના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે મહેશભાઇ ચૌધરીએ ટીડીઓ સહિત મામલતદાર કચેરીને જાણ કરતાં અધિકારીઓ તુરંત સ્થળે પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરતાં ગરનાળામાં ઠલવાયેલું આ કેમિકલ જોવાથી આછા કાળા રંગનું ખદબદતું પ્રવાહી લાગતું હતું અને તેમાંથી અગાઉ ડેરીમાં ફેટ કાઢવા માટે વપરાતા એસિડ જેવી તીવ્ર વાસ આવતી હતી. જ્યાંથી ટેન્કર ગરનાળામાં ઠલવાયું હતું તે સ્થળની માટી બળીને કાળી થઇ ગઇ હતી.

આ બાબતે સ્થળ ઉપર હાજર ગણેશપુરાના મહેશભાઇ ચૌધરીએ કહ્યું કે આ ગરનાળા નજીકથી ધરોઇની પાઇપ લાઇન જાય છે અને તેમાંથી વાલ્વ મૂકી ગણેશપુરાને પાણીની પાઇપ લાઇનનું જોડાણ આપેલ છે. પરંતુ પાઇપ લાઇન અને વાલ્વ બધું જ ખદબદતા કેમિકલમાં ડૂબી ગયું હોવાથી કેમિકલ પાણીમાં ભળવાની દહેશત છે. અધિકારીઓએ જેસીબીની મદદ વડે ગરનાળામાં માટી નાંખી ખદબતા કેમિકલની તીવ્રતાને ઠારવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...