કામગીરી:ખેરાલુમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અને વેપાર કરનારા 40 દુકાનદારો દંડાયા

ખેરાલુ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સેનેટરી વિભાગે 150 કિલો જથ્થો જપ્ત કરી 8 હજાર દંડ વસૂલ્યો

1લી જુલાઇથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યાના એક માસ બાદ હકરતમાં આવેલા ખેરાલુ નગરપાલિકાના સેનેટરી વિભાગે સોમવારે શહેરની 40 જેટલી દુકાનોમાંથી 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.8 હજારનો દંડ વસૂલ્યો હતો.

કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ 75 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની કેરીબેગ, લાકડીઓ, ફુગ્ગા માટે વપરાતી સ્ટીક, ફ્લેગ્સ, કેન્ડીસ્ટીક, આઈસ્ક્રીમ સ્ટીક, થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ, કપ, ચશ્મા, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, ફિલ્મ રેપિંગ અથવા સ્વીટ બોક્સ પેકિંગ, આમંત્રણ કાર્ડ, સિગારેટના પેકેટ, 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના બેનરો જેવી અનેક ચીજોનો ઉપયોગ અને વેપાર પ્રતિબંધિત કરાયો છે.

જોકે, તેમ છતાં ખેરાલુમાં આ તમામ ચીજોનું ધૂમવેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાથી પ્રતિબંધ લગાવ્યાના એક મહિના બાદ હરકતમાં આવેલા પાલિકા તંત્રએ સોમવારે 40 જેટલી દુકાનોમાં રેડ કરી હતી. રેડ દરમિયાન 150 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો અને દુકાનદારો પાસેથી કુલ રૂ.8000 દંડ વસૂલ્યો હોવાનું પાલિકાના સેનેટરી વિભાગે જણાવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગમાં સજાની જોગવાઇ કાયદા મુજબ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ 15 હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર કાર્યવાહી કરાશે. જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતું જોવા મળશે તો તેને સજા કરાશે. જેમાં જેલ-દંડ બંનેનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...