મહેસાણાના કડી ખાતે આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીના સગાવાળાએ સારવાર કરાવવા બાબતે હોસ્પિટલના સ્ટાફ સાથે તકરાર કરી હતી. કોઈ બાબતે હોસ્પિટલના સ્ટાફ સાથે બોલાચાલી થતાં ડોક્ટર તથા નર્સ સ્ટાફને ગાળાગાળી કરી મારમારવામાં આવ્યો હતો. આ ઝપાઝપીમાં સ્ટાફને ઈજા પણ થઈ હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પહેલા સારવાર કરાવવાને લઈ સ્ટાફ સાથે રકઝક
કડી શહેરમાં આવેલી અને સૌની હોસ્પિટલના સૂત્રથી ચાલતી ભાગ્યોદય જનરલ હોસ્પિટલનો મામલો 37 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ પટેલ જીવીબેન નામના દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે કોઈ મામલે ડોક્ટર તથા સ્ટાફ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે દર્દીના સગાવાળાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં હાજર સ્ટાફનું કહેવું છે કે દર્દીઓ માગણી કરી રહ્યાં હતા કે, પહેલા અમારા દર્દીની સારવાર કરો. આ મામલે હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં કામ કરતા ડોક્ટર કૃપા રાવલને જાણ કરવામાં આવી હતી. કૃપા રાવલે દર્દીના સગાવાળાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, જોકે તેઓ માન્યા ન હતા અને સારવાર કરાવવી નથી તેમ કહીને નિકળી ગયા હતા.
હોસ્પિટલ સ્ટાફ સાથે ઝપાઝપી
થોડીકવાર રહી દર્દીની સગી બે મહિલા અને બે પુરુષો ઈમરજન્સી વોર્ડમાં આવી પહોંચ્યા હતા. ત્યાં હાજર ડોક્ટર અને નર્સ સ્ટાફને કહેવા લાગ્યા કે તમે કેમ અમારા દર્દીની પહેલા સારવાર ન કરી. તેના પછી દર્દીના સગાવાળાઓએ હોબાળો મચાવ્યો અને વીડિયો ઉતાર્યો હતો. જોકે ડોક્ટર કૃપા રાવલે વીડિયો ઉતારવાની ના પાડતા બે મહિલા તેમજ બે પુરુષોએ સ્ટાફ પર હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ ઈમરજન્સીનો દરવાજો પણ તોડી દીધો હતો. મામલો બિચકતા હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો અને ઝગડો કરી રહેલાં લોકોને બહાર કાઢ્યા હતા. ઝપાઝપીમાં હોસ્પિટલના કેટલાક સ્ટાફને ઈજા પણ થઈ હતી. હોસ્પિટલમાં જ તેમની મલમપટ્ટી કરવામાં આવી હતી.
હોસ્પિટલનો પ્રથમ કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો
આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 1985માં સ્થાપવામાં આવેલી હોસ્પિટલનો મામલો આજદિન સુધી હોસ્પિટલ બહાર ગયો ન હતો. ત્યારે આ પ્રથમ મામલો પોસીસ સ્ટેશન જતાં સમગ્ર વિસ્તારમાં આ બનાવની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.