જનતાને મળી વિકાસ કાર્યોની ભેટ:કડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ. 4.26 કરોડના 50 વિકાસ કાર્યોનાં ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયાં

કડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત કડી પ્રાંત કક્ષાના આયોજિત વિકાસના કામોનો લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર અને કડી ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

કડી/બેચરાજી/જોટાણા તાલુકાના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ કડી પ્રાંત કક્ષાના કડી/બેચરાજી/જોટાણા તાલુકાના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત કડી તાલુકાના 53 કામોનું લોકાર્પણ અને 37 કામોનું ખાતમુહુર્ત, બેચરાજી તાલુકાના 19 કામોનું લોકાર્પણ અને 13 કામોનું ખાતમુહુર્ત, જોટાણા તાલુકાના 29 કામોનું લોકાર્પણ અને 39 કામોનું ખાતમુહુર્ત,માર્ગ અને મકાન પેટા વિભાગ કડી(રાજ્ય) 1 કામનું લોકાર્પણ અને માર્ગ અને મકાન પેટા વિભાગ કડી(પંચાયત) 17 કામોનું લોકાર્પણ અને 33 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડબલ એન્જિનની સરકારે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી - જિલ્લા પંચાયતના પ્રમુખ
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આજે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યો છે. આજે ડબલ એન્જિનની સરકારે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે દેશ અને રાજ્યનો સમાવેશી વિકાસ થાય એ માટે સતત કાર્ય કરી રહ્યું છે. પ્રમુખે પણ ઉમેર્યું હતું કે ડબલ એન્જીનની સરકાર મહિલા સશક્તિકરણ, ખેડૂતોનું કલ્યાણ, ઉદ્યોગોનો વિકાસ, રોડ-રસ્તા, આધારભૂત માળખું જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરીને દેશ આત્મનિર્ભર બને એ માટે સતત કાર્ય કરી રહી છે.

સરકારે વિવિધ યોજનાઓ થકી જનતાનું કલ્યાણ કર્યું - કરશન સોલંકી
આ પ્રસંગે કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકારે વિવિધ યોજનાઓ થકી જનતાનું કલ્યાણ કર્યું છે.આજે આયુષ્માન ભારત યોજના થકી જનતાનું સ્વાસ્થ્ય સમૃદ્ધ બન્યું છે.તેમજ આજે ગામડાઓમાં રોડ-રસ્તા,શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેનો વિકાસ થયો છે. આ પ્રસંગે ડિસ્ટ્રિક બેંક મહેસાણાના વિનોદભાઇ પટેલ, પ્રાંત અધિકારી પી.સી.દવે, બેચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પટેલ, કડી તાલુકા પંચાયતના પ્રમુખ અજીત પટેલ, જોટાણા તાલુકા પંચાયતના પ્રમુખ બળદેવભાઈ સોલંકી, વિવિધ અધિકારી ગણ, સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...