કડીમાં શિક્ષક દિવસની ઉજવણી:સર્વ વિદ્યાલય કેમ્પસમાં વિવિધ કાર્યક્રમ યોજાયા; કેમ્પસની 24 શાળા-કોલેજના 1111 વિદ્યાર્થીઓ સહભાગી થયા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ સમગ્ર ભારતમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી દ્વારા શિક્ષક પ્રત્યે આદરનો અહેસાસ કરાવતો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક દિવસ જેવા ગરિમાપૂર્ણ દિવસ નિમિત્તે સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગમે તેટલી ટેકનોલોજી વિકસીત થઈ જાય, એર-કંડીશન ક્લાસરૂમ બનાવી દઈએ પણ શ્રેષ્ઠ શિક્ષક જ્યારે ક્લાસરૂમમાં યોગ્ય પદ્ધતિથી ભણાવતા હોય અને વિધાર્થીના જીવનના ઘડતરનું કામ કરતા હોય, તે દેશના રાજાથી પણ મોટું કાર્ય કરી રહ્યાં હોય તેટલી શક્તિ ધરાવે છે.

દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિને પણ શિક્ષકે જ તૈયાર કર્યા છે. શિક્ષક રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વૈજ્ઞાનિક કે ઉદ્યોગપતિ બની શક્યા નથી. પરંતુ એવા વ્યક્તિઓનું નિર્માણ કર્યું કે તેઓ આજે દેશના ઉચ્ચ સ્થાનો ઉપર બીરાજી દેશની સેવા કરી રહ્યા છે. શિક્ષકની તાકાત શું હોઈ શકે તેનો ઉત્તમ દાખલો જોઈએ તો એ આપણું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ છે. 6 વિધાર્થીઓથી 52 હજાર વિધાર્થીઓ સુધીની સંખ્યામાં વધારો થયો છે. તે શિક્ષકો, આચાર્યો અને ગૃહપતિઓને આભારી છે. જેમણે એક એક વિધાર્થીઓને તૈયાર કરી તેઓનું જીવન ઘડતર કરેલ છે. આ સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થીઓ દાનની ગંગા વહાવે છે. તેઓનું માનવું છે કે, જે તે વખતના આચાર્ય અને શિક્ષકો ના હોત તો અમારો વિકાસ થઈ શક્યો ના હોત. આવા જ આચાર્ય અને શિક્ષકો દ્વારા અમારા જેવા વધુમાં વધુ વિધાર્થીઓ તૈયાર કરી શકે એના માટે પોતે પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.

સર્વ વિદ્યાલયમાં ગૃહપતિઓએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને દીકરાની જેમ માવજત કરીને તૈયાર કરેલા છે. ચેરમેને પોતાના વિધાર્થીકાળનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, સર્વ વિદ્યાલય હાઈસ્કુલ ધોરણ-10માં અભ્યાસ દરમ્યાન તત્કાલીન આચાર્ય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના વર્તમાન પ્રમુખ મનુભાઈ સાહેબ એવી પદ્ધતિથી ભણાવતા હતા કે સંપૂર્ણ પાઠ કંઠસ્થ રહે. ગુજરાતી વિષયમાં​​​​​ “ભાણીની વ્યથા” નામનો પાઠ આજની તારીખે પણ મને અને મારી સાથે અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને કંઠસ્થ છે. ઋષિતુલ્ય એવા મોહનભાઈ સાહેબ, નાથાભાઈ સાહેબ અને મનુભાઈ સાહેબની આ કર્મભૂમિ અને જેમના નામથી સંસ્થાની શરૂઆત થયેલી છે. પૂજ્ય છગનભાની ધરતી ઉપર શ્રેષ્ઠ શિક્ષક બની શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરો તેવી આજના દિવસે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કેમ્પસની 24 શાળા કોલેજ દ્વારા 1111 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા. જે વિદ્યાર્થીઓ પ્રિન્સીપાલ બન્યા હોય તે તમામ બાલમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધીની 24 સંસ્થાઓના વિદ્યાર્થીઓને બી.એડ. કોલેજના તાલીમાર્થી દ્વારા બનાવવામાં આવેલ વેલકમ કાર્ડ આપી સન્માનિત કરાયા હતા. શિક્ષક દિન નિમિત્તે પ્રિન્સીપાલ બનેલા 6 વિદ્યાર્થીઓએ પોતાના ખુબ સુંદર અભિપ્રાય આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સર્વે પ્રિન્સીપાલો હાજર રહ્યા હતા. શિક્ષણની નગરી કડી અને ગાંધીનગરમાં સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા છેલ્લા 100 વર્ષથી કેળવણીની સરિતા પ્રવાહિત થઈ રહી છે. સંસ્થાના નિવડેલ તથા નિષ્ઠાવાન સારસ્વતો દ્વારા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેળવણી પ્રાપ્ત કરી વિભિન્ન ક્ષેત્રોમાં ઉન્નતિ કરતા રહ્યા છે. આ સંસ્થા પરિવાર આજના શિક્ષક દિનના સવિશેષ પ્રસંગે સર્વે શિક્ષકવૃંદ અને વિભિન્ન શાળા-કૉલેજમાં શિક્ષક બનીને શિક્ષણકાર્ય કરનાર સર્વે વિદ્યાર્થી ભાઈ-બહેનોને સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...